સોમનાથથી શંખનાદ: કોંગ્રેસની બે દિ’ની સૌરાષ્ટ્ર ઝોન બેઠક

23 June 2022 12:00 PM
Veraval Saurashtra
  • સોમનાથથી શંખનાદ: કોંગ્રેસની બે દિ’ની સૌરાષ્ટ્ર ઝોન બેઠક

સાંજથી બે દિવસ ચૂંટણી મંથન થશે: પ્રભારી રઘુ શર્મા તથા તમામ પ્રદેશ નેતાગીરી હાજર રહેશે: સૌરાષ્ટ્રના તમામ શહેર-જીલ્લા હોદેદારોને માર્ગદર્શન આપી બૂથ-તાલુકાની જવાબદારી સોંપાશે

રાજકોટ તા.23
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીવર્ષમાં ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી જ દીધી છે. કોંગ્રેસ દ્વારા આજથી બે દિવસ માટે સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠક સોમનાથમાં યોજવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા સહિતની ટોચની પ્રદેશ નેતાગીરી તેમાં હાજર રહેશે. બૂથથી માંડીને તાલુકા કક્ષા સુધીના આયોજનો ગોઠવવામાં આવશે તથા નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે.

પ્રદેશ કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે સાંજે પાંચ વાગ્યાથી સૌરાષ્ટ્ર ઝોન બેઠક શરૂ થશે અને આવતીકાલ સુધી ચાલશે. વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રની રણનીતિ ઘડવામાં આવશે. બે દિવસની બેઠકમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર નેતાગીરી પરામર્શ કરીને માર્ગદર્શન આપશે તથા સંબંધીત નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે.પાયાને જ મજબૂત બનાવવા બૂથ મેનેજમેન્ટ પર ફોકસ કરવામાં આવશે. ઉપરાંત તમામે તમામ તાલુકાસ્તર સુધી સંગઠનોને મજબૂત કરવાની રણનીતિ ઘડવામાં આવશે તથા સંગઠન મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.

બે દિવસની ઝોન બેઠકમાં પ્રભારી રઘુ શર્મા ઉપરાંત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષી નેતા રાઠવા, અર્જુન મોઢવાડીયા સહિત તમામ પ્રદેશ નેતાઓ હાજર રહેશે. આ સિવાય સમગ્ર સૌરાષ્ટ્રના તમામ સંગઠન હોદેદારોને તેડાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની તાકાતનું પ્રદર્શન કરવા કાલે બેઠક પુર્વે બાઈક-કાર રેલી પણ યોજવામાં આવનાર છે.

સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં કાલે સવારે 9 વાગ્યે વેરાવળ બાયપાસથી કાર-બાઈક રેલી યોજાશે જે સોમનાથદાદાના સાનિધ્યમાં પહોંચશે અને ધ્વજા ચડાવાશે. સોમનાથ દાદાના આશિર્વાદ સાથે સોમનાથથી ચૂંટણી શંખનાદ ફુંકવામાં આવશે. કોંગ્રેસના કાર્યકતાઓ યોગ્ય બુથ મેનેજમેન્ટ થકી મતપેટી સુધી મતદારોને દોરી જાય અને તેના આધારે લોકોનો વિશ્ર્વાસ જીતીને કોંગ્રેસને મજબૂત કરવાની રણનીતિ ઘડવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement