યુપી-પંજાબની ત્રણ લોકસભા, દિલ્હી-આંધ્ર-ત્રિપુરા-ઝારખંડની સાત વિધાનસભા બેઠકો માટે મતદાન

23 June 2022 12:11 PM
India Politics
  • યુપી-પંજાબની ત્રણ લોકસભા, દિલ્હી-આંધ્ર-ત્રિપુરા-ઝારખંડની સાત વિધાનસભા બેઠકો માટે મતદાન

પેટાચૂંટણીમાં ભાજપ-સપા-આપની પ્રતિષ્ઠા દાવ પર: યુપીની આઝમગઢ અને રામપુર લોકસભા બેઠક પર કાંટે કી ટક્કર

નવીદિલ્હી, તા.23
દેશના બે રાજ્યોની ત્રણ લોકસભા અને સાત વિધાનસભા બેઠકો ઉપર પેટાચૂંટણી અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. જે લોકસભા બેઠકો પર પેટાચૂંટણી થઈ રહી છે જેમાં ઉત્તરપ્રદેશની બે બેઠક આઝમગઢ અને રામપુર પણ સામેલ છે. આ ઉપરાંત પંજાબની સંગરુર લોકસભા બેઠક માટે પણ મતદાન થ, રહ્યું છે. ચાર રાજ્યોની સાત અલગ-અલગ વિધાનસભા બેઠકો ઉપર પણ પેટાચૂંટણી અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીના પરિણામો 26 જૂને આવશે.

ઉત્તરપ્રદેશની આઝમગઢ અને રામપુર લોકસભા બેઠક પર થઈ રહેલું મતદાન સૌથી વધુ ચર્ચામાં છે. આ બન્ને બેઠકો ઉપર સત્તાધારી ભાજપ અને વિપક્ષ સપા વચ્ચે ટક્કર ચાલી રહી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવના રાજીનામા બાદ આઝમગઢ બેઠક ખાલી પડી હતી જ્યારે આઝમ ખાને રામપુર લોકસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું. અખિલેશ અને આઝમે વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ બન્નેએ સાંસદ તરીકે રાજીનામું આપ્યું હતું.

સપાએ આઝમગઢ લોકસભા બેઠક પરથી ધર્મેન્દ્ર યાદવને ઉતર્યા છે જ્યારે ભાજપે ભોજપુરી અભિનેતા દિનેશ લાલ યાદવ નિરહુઆ ઉપર દાવ ખેલ્યો છે. બસપાની ટિકિટ ઉપર શાહ આલમ ચૂંટણી લડી રહ્યા છે. રામપુર લોકસભા બેઠક પર ભાજપે ઘનશ્યામસિંહ લોધીને જ્યારે સપાએ આસિમ રાજાને મેદાનમાં ઉતાર્યા છે. પંજાબમાં સંગરુર લોકસભા બેઠક માટેની પેટાચૂંટણી આમ આદમી પાર્ટી માટે પ્રતિષ્ઠાનો જંગ છે. ભગવંત માને મુખ્યમંત્રી બન્યા બાદ આ બેઠક છોડી હતી. આમ આદમી પાર્ટીએ અહીં ગુરમેલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપે કેવલ સિંહ ઢીલ્લો પર દાવ ખેલ્યો છે.

દેશના ચાર રાજ્યો દિલ્હી, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને ત્રિપુરાની સાત વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છે. દિલ્હીની રાજિન્દ્રનગર વિધાનસભા, ઝારખંડની મંડાર, આંધ્રપ્રદેશની આત્માકુર અને ત્રિપુરાની ચાર બેઠક અગરતલા, ટાઉન બરદોવાલી, સૂરમા અને જબરાજનગર બેઠક પર મતદાન ચાલી રહ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement