ક્રિકેટમાં નવી ‘ક્રાંતિ’ લાવશે વેસ્ટ ઈન્ડિઝ: 60 બોલની મેચમાં મહિલા-પુરુષો વચ્ચે થશે ટક્કર

23 June 2022 12:18 PM
India Sports World
  • ક્રિકેટમાં નવી ‘ક્રાંતિ’ લાવશે વેસ્ટ ઈન્ડિઝ: 60 બોલની મેચમાં મહિલા-પુરુષો વચ્ચે થશે ટક્કર

* વિન્ડિઝ ક્રિકેટ-કેરેબિયન પ્રિમીયર લીગે મળીને ક્રિકેટનું એક નવું જ ફોર્મેટ કર્યું તૈયાર: મેચમાં બેટિંગ કરનારી ટીમને કુલ છ વિકેટ મળશે; બે પાવરપ્લે હશે અને જો કોઈ ટીમ પહેલી 12 બોલમાં બે છગ્ગા લગાવી દે તો વધુ એક પાવરપ્લે મળશે

* 24થી 28 ઑગસ્ટ વચ્ચે રમાશે ‘ધ સિકસ્ટી-ક્રિકેટ પાવરગેમ્સ’ ટૂર્નામેન્ટ

નવીદિલ્હી, તા.23
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ અને કેરેબિયન પ્રિમીયર લીગ મળીને ક્રિકેટના એક નવા જ ફોર્મેટને લાવવાની તૈયારીમાં છે. આ ફોર્મેટને ‘ધ સિકસ્ટી-ક્રિકેટ પાવર ગેમ્સ’નું નામ આપવામાં આવ્યું છે. આ ફોર્મેટની પહેલી સીઝનમાં પુરુષઓ અને મહિલાઓની ટીમો 60 બોલની ટૂર્નામેન્ટમાં એકબીજા સામે ટકરાશે અને એવી આશા રખાઈ રહી છે કે ટૂર્નામેન્ટમાં દુનિયાભરના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરો સામેલ થશે. આ વર્ષે ટૂર્નામેન્ટનું ટાઈટલ સ્પોન્સર સ્કાઈએક્સ રહેશે.એવું પણ મનાય રહ્યું છે કે ક્રિકેટમાં આ એક ક્રાંતિકારી ફોર્મેટના રૂપમાં ઉભરી આવશે જે ટી-20ને સંપૂર્ણ રીતે બદલીને રાખી દેશે. આ નવું ફોર્મેટ સંપૂર્ણ રીતે ઝડપી અને એક્શનથી ભરપૂર હશે.

મેચમાં બેટિંગ કરનારી ટીમને કુલ 6 વિકેટ હશે અને છઠ્ઠી વિકેટ પડે એટલે ટીમને ઑલઆઉટ માનવામાં આવશે. બેટિંગ કરનારી ટીમ પાસે બે પાવરપ્લે હશે પરંતુ જો કોઈ ટીમ પહેલાં 12 બોલમાં બે છગ્ગા લગાવી દે છે તો ત્રીજો પાવરપ્લે પણ લઈ શકશે. ઈનિંગમાં મળનારા આ વધારાના પાવરપ્લેને 3થી 9 ઓવર વચ્ચે ગમે ત્યારે લઈ શકાશે.ઈનિંગમાં કોઈ એક એન્ડ પરથી ઓછામાં ઓછા 30 બોલ ફેંક્યા બાદ જ અંતિમ 30 બોલ ફેંકવા માટે બોલિંગ એન્ડ બદલાવી શકાશે. 30 બોલને પાંચ અલગ-અલગ ઓવરોના રૂપમાં ફેંકી શકાશે જેમાં કોઈ પણ બોલર ઈનિંગ માટે બે ઓવરથી વધુ બોલિંગ કરી શકશે નહીં.

મેચ દરમિયાન જો કોઈ ટીમ નક્કી કરાયેલા સમયની અંદર પોતાની ઓવરને પૂરી ન કરી શકે તો આવામાં અંતિમ 6 બોલ દરમિયાન ટીમના એક ખેલાડીએ મેદાનની બહાર જવું પડશે. મેચમાં ‘મિસ્ટ્રી ફ્રી હિટ’નો કોન્સેપ્ટ હશે જેમાં ચાહકો ફ્રી હીટ માટે વોટ કરશે જે એક નક્કી સમયે કરવામાં આવશે. આ દરમિયાન બેટર આઉટ ગણાશે નહીં.ઉલ્લેખનીય છે કે આ નવા ફોર્મેટની શરૂઆત આ વર્ષે 24થી 28 ઑગસ્ટ વચ્ચે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસમાં કરવામાં આવશે. ભવિષ્યમાં આ ટૂર્નામેન્ટના વિસ્તાર અને તેના સંબંધિત યોજનાઓને ધ્યાનમાં રાખી વેસ્ટ ઈન્ડિઝના અલગ-અલગ સ્ટેડિયમ પર તેનું આયોજન કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement