નવીદિલ્હી, તા.23
ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. અહીં રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ટેસ્ટ, ત્રણ વન-ડે અને ત્રર ટી-20 મેચની શ્રેણી રમવાની છે. પાંચ ટેસ્ટશ્રી શ્રેણીની અંતિમ મેચ 1 જૂલાઈથી બર્મિંઘમમાં રમાશે.
આ ટેસ્ટ મેચ પહેલાં આજથી ટીમ ઈન્ડિયા વોર્મઅપ મેચ રમવા ઉતરશે જે 26 જૂન સુધી ચાલશે. આ મેચ ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ઈંગ્લીશ ક્લબ લિસેસ્ટરશાયર વચ્ચે રમાશે. વોર્મઅપ મેચમાં ચાર ભારતીય ખેલાડી પોતાની જ ટીમ વિરુદ્ધ મેચ રમવા ઉતરશે.
આ ખેલાડીઓમાં ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા હશે. આ ચારેય ખેલાડીઓ લિસેસ્ટરશાયર ક્લબ વતી રમતાં જોવા મળશે. આ ક્લબની કમાન સૈમ ઈવાન્સના હાથમાં રહેશે જ્યારે ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્મા જ સંભાળશે. ચાર દિવસીય વોર્મઅપ મેચમાં બન્ને ટીમમાં 13-13 ખેલાડીઓ હશે જેથી બોલરો ઉપર વધુ ભાર ન આવે.
લિસેસ્ટરશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે કહ્યું કે અમે વોર્મઅપ મેચ માટે ભારતીય ટીમનું સ્વાગત કરીએ છીએ. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા અમારા ક્લબ વતી રમશે જેની કમાન ઓપનર સેમ ઈવાન્સના હાથમાં રહેશે. આ ચારેય ખેલાડીને ક્લબ વતી રમવા માટે ભારતીય બોર્ડ અને ઈંગ્લીશ ક્રિકેટ બોર્ડ તરફથી મંજૂરી મળી ચૂકી છે જેથી મહેમાન ટીમના તમામ ખેલાડીઓને વોર્મઅપ મેચ રમવાની તક મળશે.
વોર્મઅપ મેચ માટેની બન્ને ટીમો
ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, કે.એસ.ભરત (વિકેટકિપર), રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સીરાજ અને ઉમેશ યાદવ
લિસેસ્ટરશાયર ટીમ: સૈમ ઈવાન્સ (કેપ્ટન), રેહાન અહમદ, સૈમ બેટસ (વિકેટકિપર), નેટ બાઉલી, વિલ ડેવિસ, જોય ઈવિસન, લુઈસ કિમ્બેર, અબી સકંદે, રોમન વોકર, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા.