(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.23
વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં પતિએ ઘરકામ બાબતે ઠપકો આપતા માઠું લાગતા પત્નીએ ગળાફાંસો ખાધો હતો અને બહારથી પતિ ઘરે આવ્યો ત્યારે ગળાફાંસો ખાધેલ હાલતમાં તેની પત્નીને જોતા તેને નીચે ઉતારીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વીસીપરામાં રહેતા વિશાલભાઈ બાવરવાના પત્ની હેતલબેન બાવરવા (ઉંમર 29)એ પોતાના ઘરે લોખંડની એંગલ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાધો હતો
જે તેના પતિ જોઈ જતાં તેને તાત્કાલિક નીચે ઉતારીને પ્રથમ સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. સીટી પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને તેના પતિ દ્વારા ઘરકામ બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો જે તેને માઠું લાગતા તેણે ગળાફાંસો ખાધો હતો. પરિણીતાનો લગ્નગાળો સાડા ચાર વર્ષનો છે અને તેને સંતાનમાં બે દીકરા છે અને હાલમાં તે સંયુક્ત કુટુંબમાં રહે છે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે રહેતા જયંતીલાલ જાદવજીભાઈ ભલસોડ (ઉંમર 57) ગામ પાસે રિક્ષામાં ચડવા જતા હતા ત્યારે અકસ્માતે તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા.
અકસ્માતમાં ઇજા
માળીયા નજીક આવેલ ટોલનાકા પાસેથી ટ્રક લઈને દોલારામ ગ્વાલેલાલ ગુર્જર (ઉમર 32) રહે જયપુર રાજસ્થાન વાળો પસાર થઈ રહ્યો હતો ત્યારે અન્ય એક ટ્રક સાથે તેનો ટ્રક અથડાતાં ઈજા થઈ હોવાથી સારવાર માટે આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.