દરેડમાંથી એક તસ્કરને રૂપિયા એક લાખની કિંમતના 26 નંગ ચોરાઉ મોબાઇલ સાથે પકડી પાડ્યો

23 June 2022 03:15 PM
Jamnagar
  • દરેડમાંથી એક તસ્કરને રૂપિયા એક લાખની કિંમતના 26 નંગ ચોરાઉ મોબાઇલ સાથે પકડી પાડ્યો
  • દરેડમાંથી એક તસ્કરને રૂપિયા એક લાખની કિંમતના 26 નંગ ચોરાઉ મોબાઇલ સાથે પકડી પાડ્યો

જામનગર અને દરેડમાં શ્રમિકોની વસાહતમાંથી એક વર્ષ દરમિયાન મોબાઇલ ચોરી કરી લીધા ની કબૂલાત

જામનગર તા.23:
જામનગર શહેર અને દરેડ આસપાસના વિસ્તારમાં મોબાઇલ ચોરી નો ઉપદ્રવ વધી ગયા પછી પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટીમની ઊંડાણપૂર્વકની તપાસના અંતે દરેડ વિસ્તારમાંથી એક તસ્કરને રૂપિયા એક લાખની કિંમતના 26 નંગ મોબાઇલ ફોન સાથે પકડી પાડયો છે. જેણે એક વર્ષ દરમિયાન તમામ મોબાઇલની ચોરી કરી હોવાની કબુલાત આપી છે.

જામનગર શહેર તેમજ દરેડ આસપાસના વિસ્તારોમાં રહેતા શ્રમિકોના ખુલ્લા રહેણાંક મકાનોમાં અથવા તો બારી માં હાથ નાખી ને મોબાઈલ ફોન ની વારંવાર ચોરી થઇ જતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. ખાસ કરીને ઉનાળાના સમયગાળા દરમિયાન શ્રમિકો મકાનના દરવાજા ખુલ્લા રાખીને સુતા હોય છે, જે તક નો લાભ ઉઠાવીને તસ્કરો મોબાઇલ ફોનની ચોરી કરી જતા હોય છે.

જે ફરિયાદના આધારે પંચકોશી બી. ડિવિઝન ના એ. એસ. આઈ. મહિપાલસિંહ જાડેજા તેમજ પોલીસ પોલીસ કોન્સ્ટેબલ નિર્મળસિંહ જાડેજા અને હરદેવસિંહ જાડેજાએ રાત્રી દરમિયાન વોચ ગોઠવી હતી. જે વોચ દરમિયાન મૂળ રાજકોટના વતની અને હાલ દરેડ માં રહેતો સંજય ઉર્ફે કારો ભીમજીભાઇ મકવાણા નામનો શખ્સ પોલીસના સકંજામાં આવી ગયો હતો. જેની પૂછપરછ કરતાં પોતે મોબાઇલ ચોરી કરવા માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

તેના કબજામાંથી કેટલાક ચોરાઉ મોબાઇલ પણ મળ્યા હતા. પોલીસની ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન અને તેની ઘરની ઝડતી દરમિયાન કુલ 26 નંગ જુદી જુદી કંપનીના ચોરાઉ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જેણે તમામ મોબાઇલ ફોન છેલ્લા એકાદ વર્ષના સમયગાળા દરમિયાન દરેડ ની શ્રમિક ની વસાહતો માંથી તેમજ જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાંથી ચોરી કરીને મેળવેલા હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે રૂપિયા એક લાખની કિંમતના મોબાઈલ ફોન કરજે કર્યા છે, અને તેના માલિકોને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.


Loading...
Advertisement
Advertisement