પડાણા પાટીયા પાસે મિનિ ટ્રક હેઠળ ચગદાઈ જતાં અજાણ્યા પ્રૌઢનું મૃત્યુ

23 June 2022 03:17 PM
Jamnagar
  • પડાણા પાટીયા પાસે મિનિ ટ્રક હેઠળ ચગદાઈ જતાં અજાણ્યા પ્રૌઢનું મૃત્યુ

જામનગર તા.23: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા ગામના પાટિયા પાસે એક મિની ટ્રકના ચાલકે 50 વર્ષની વયના અજાણ્યા પ્રૌઢને હડફેટમાં લઇ લેતાં ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ છે. જે મામલે મેઘપર પર પોલીસ વધુ તપાસ ચલાવે છે.

અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ દાહોદ જિલ્લાનો વતની અને હાલ પડાણા પાટીયા પાસે રહેતો સવસિંગ મેતીયાભાઈ પલાસ નામનો મીની ટ્રક ચાલક યુવાન ગઇકાલે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં મીની ટ્રક લઈને પડાણા પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન 50 વર્ષની વયના એક અજ્ઞાત પુરુષને ઠોકરે ચડાવી દઈ ગંભીર ઈજા પહોંચતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

આ અકસ્માતના બનાવ અંગે ઇશ્વરભાઇ ધીરાભાઈ પંડત નામના અન્ય એક ટ્રક ડ્રાઈવરે પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત મૃતકની ઓળખ કરવા માટે મૃતદેહને જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે. ઉપરાંત મીની ટ્રક ચાલક સામે પણ ગુનો નોંધ્યો છે.


Loading...
Advertisement
Advertisement