વાતાવરણ સુધર્યું : અર્ધા સૌરાષ્ટ્રમાં વરસાદ થશે-અન્યત્ર રાહ જોવી પડશે

23 June 2022 03:42 PM
Rajkot Gujarat
  • વાતાવરણ સુધર્યું : અર્ધા સૌરાષ્ટ્રમાં વરસાદ થશે-અન્યત્ર રાહ જોવી પડશે

* ચોમાસાની ઉતરીય પાંખ એક સપ્તાહથી પોરબંદર નજીક સ્થગીત : આગળ ધપતી નથી

રાજકોટ,તા. 23 : ચોમાસાની ઉતરીય પાંખ પોરબંદર નજીકના અરબી સમુદ્રમાં એક સપ્તાહથી સ્થગીત છે છતા આજથી વાતાવરણમાં થોડો સુધારો છે અને 30મી જૂન સુધીમાં અર્ધા સૌરાષ્ટ્રમાં હળવો-ભારે વરસાદ થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન 22 જૂન સુધીમાં જેટલો સરેરાશ વરસાદ થાય છે તેના કરતાં ચાલુ સાલ અર્ધો વરસાદ પણ થયો નથી. 22મી જુનની સ્થિતિએ સૌરાષ્ટ્રમાં વરસાદની 53 ટકાની ખાધ છે. ગુજરાત રીજીયનમાં 52 ટકા તથા કચ્છમાં 81 ટકાની ખાધ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યનાં 103 તાલુકામાં વરસાદ થયો

* ચોમાસુ પાંખ સ્થગીત છે છતાં બે અપર એર સાયક્લોનિક તથા શિયર ઝોનનો પ્રભાવ રહેવાની સંભાવના

તેમાંથી 54 તાલુકામાં 10 મીમી કરતાં વધુ પાણી વરસ્યું હતું. તેઓએ કહ્યું કે નૈઋત્ય ચોમાસાની ઉતરીય પાંખ 16મી જૂનથી પોરબંદર નજીકના અરબી સમુદ્રમાં સ્થગીત છે અને આગળ ધપતી નથી. ઉતરીય પાંખ 22 ડીગ્રી નોર્થ પોરબંદર-બગોદરા, શિવપુરી થઇને 27 ડીગ્રી નોંર્થ તથા 84 ડીગ્રી ઇસ્ટ સુધી લંબાઇ છે. આ સિવાય ઓફશોર ટર્ફ દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી લંબાઈ છે. બે અપર એર સાયક્લોનીક સિસ્ટમ છે. એક ઓડિસા, પશ્ચીમ બંગાળ તથા તેના આસપાસના રાજ્યો પર 3.1 કિલોમીટરની ઉંચાઈએ છે જ્યારે બીજું મધ્ય-પૂર્વ અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રના દરિયા કિનારાની પશ્ચીમે 3.1 અને 4.5 કિલોમીટરના લેવલ સુધીનું છે.

* જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી : દક્ષિણ સૌરાષ્ટ્રમાં 30મી જુન સુધીમાં 1 થી 3 ઇંચ વરસાદ થશે; કચ્છ સહિત બાકીના ભાગોમાં છુટાછવાયા ઝાપટા જ પડશે : દક્ષિણ ગુજરાતમાં 2 થી 6 ઇંચ પાણી વરસી શકે

ઓડિસા તથા અરબી સમુદ્રના અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની ટક્કરથી બહોળુ સરક્યુલેશન અને શિયર ઝોન જેવા બે પરિબળો આવતા દિવસોમાં ગુજરાતમાં વરસાદ માટે મહત્વના બનશે. શિયર ઝોન સામાન્ય રીતે ઉતર તરફ ગતિ કરે છે. કેટલુ આગળ આવે છે અને ક્યાં સુધી પહોંચે છે તેના પર વરસાદનો આધાર રહેશે. તા. 23 થી 30 જૂનની આગાહીમાં તેઓએ કહયું કે દક્ષિણ ગુજરાતમાં હળવો-મધ્યમ અને ભારે વરસાદ થવાની શક્યતા છે. અમુક દિવસે છૂટોછવાયો અને અમુક દિવસે સાર્વત્રિક વરસાદ થઇ શકે છે. આગાહીના સમયગાળામાં 50 થી 75 મીમી વરસાદ શક્ય છે.

* 22મી જૂનની સ્થિતિએ સૌરાષ્ટ્રમાં 53 ટકા તથા કચ્છમાં 81 ટકા વરસાદની ખાધ

એકલદોકલ સેન્ટરોમાં અતિ ભારે વરસાદની પણ શક્યતા છે અને ત્યાં 150 મીમી જેટલો વરસાદ શક્ય છે. અર્ધા સૌરાષ્ટ્ર (દક્ષિણ સૌરાષ્ટ્ર) તથા મધ્ય ગુજરાતમાં આગાહીના સમયગાળા દરમિયાન છૂટોછવાયો-હળવો અને મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. એકલદોકલ સેન્ટરોમાં ભારે વરસાદ થઇ શકે છે. સરેરાશ એકથી બે ઇંચ પાણી વરસી શકે. ભારે વરસાદ થાય તેવા સેન્ટરોમાં ત્રણ ઇંચથી વધુ વરસાદની શક્યતા છે. કચ્છને લાગુ બાકીના સૌરાષ્ટ્ર તથા ઉતર ગુજરાતમાં છૂટોછવાયો-હળવો-મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. અને આગાહી સમયગાળા દરમિયાન એક ઇંચ સુધી પાણી વરસી શકે છે. મધ્ય ગુજરાતને લાગુ ઉતર ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ થોડુ વધુ રહી શકે. કચ્છમાં છૂટોછવાયો-હળવો-મધ્યમ એક ઇંચ સુધીનો વરસાદ થવાની સંભાવના છે.

‘આગોતરું એંધાણ’ : અષાઢના આરંભ સાથે વરસાદી ગતિવિધિ વધશે
30 જૂન સુધીની વરસાદની આગાહી વચ્ચે અશોકભાઈ પટેલે ‘આગોતરુ એંધાણ’ દર્શાવતા જણાવ્યું હતું કે 1 થી 5 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ વધશે. માસાંતે અષાઢ મહિનાનો પ્રારંભ થવાનો છે એટલે અષાઢ મહિનાની શરુઆતથી જ ચોમાસાના વરસાદનો અસલી મિજાજ જોવા મળે તેવી શક્યતાનો ઇન્કાર થતો નથી.


Related News

Loading...
Advertisement
Advertisement