રાજકોટમાં સવારથી ચોમાસુ માહોલ : વહેલીસવારે 0.5 ઇંચ વરસ્યો

23 June 2022 03:50 PM
Rajkot
  • રાજકોટમાં સવારથી ચોમાસુ માહોલ : વહેલીસવારે 0.5 ઇંચ વરસ્યો
  • રાજકોટમાં સવારથી ચોમાસુ માહોલ : વહેલીસવારે 0.5 ઇંચ વરસ્યો
  • રાજકોટમાં સવારથી ચોમાસુ માહોલ : વહેલીસવારે 0.5 ઇંચ વરસ્યો
  • રાજકોટમાં સવારથી ચોમાસુ માહોલ : વહેલીસવારે 0.5 ઇંચ વરસ્યો

માત્ર અર્ધો ઇંચ વરસાદમાં જ અન્ડરબ્રિજ સહિતના સ્થળોએ પાણી ભરાયા : આજે સાંજે પણ રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં ઝાપટાથી માંડી 3 ઇંચ સુધીના વરસાદની શક્યતા

રાજકોટ,તા. 23 : આવતીકાલથી રાજકોટ સહિત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી આકરા તાપમાં તપી રહેલા રાજકોટ શહેરમાં આજરોજ વહેલી સવારે અચાનક હવામાન પલ્ટો સર્જાયો હતો અને આકાશમાં લોકલ ફોર્મેસનના કારણે વાદળોનો ગંજ આવી ચડ્યો હતો અને વહેલી સવારે છ વાગ્યા આસપાસ 10 મીનીટ સુધી રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઝડપી પવન સાથે અડધો ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.જો કે આ સામાન્ય વરસાદ છતાં રાજકોટ શહેરના નીચાણવાળા વિસ્તારો અને નાલા નજીક પાણીનો ભરાવો થઇ ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં આજે સવારથી ચોમાસુ માહોલ છવાઈ ગયો છે અને સૂર્યદેવતા તથા વાદળો વચ્ચે સતત છુપાછુપીની રમત રમાઈ રહી છે. આ ઉપરાંત આજે સવારના ભાગે ભેજનું પ્રમાણ પણ 70 ટકા ઉપર નોંધાતા નગરજનો ભારે બફારાનો અનુભવ કરી રહ્યા છે. આ પ્રકારનું વાતાવરણ આજે બપોરે બે વાગ્યા સુધી પણ છવાયેલું રહ્યું હતું. દરમિયાન આજરોજ સવારે છ વાગ્યા આસપાસ આકાશમાં આવી ચડેલા લોકલ ફોર્મેશનના વાદળોની સાથોસાથ 25 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો.

આ પવનની સાથોસાથ વહેલી સવારે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટા વરસી ગયા હતા. દરમિયાન રાજકોટ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરના સેન્ટ્રલ ઝોનમાં અડધો ઇંચ વરસાદ આજે પડી ગયો હતો. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઝોનમાં આજે સવારે 10 મીમી તેમજ વેસ્ટ ઝોનમાં 2 મીમી અને ઇસ્ટ ઝોનમાં 5 મીમી વરસાદ નોંધાવા પામ્યો હતો.આ સામાન્ય વરસાદ છતાં રાજકોટ શહેરના અંડરબ્રીજ, ફૂલછાબ ચોક, ત્રિકોણબાગ ચોક, લીમડા ચોક તથા જૂના રાજકોટના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

બપોરે બે વાગ્યા આસપાસ આ લખાય છે ત્યારે પણ રાજકોટમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે અને સખ્ત બફારા વચ્ચે વાદળિયુ વાતાવરણ છવાયેલું છે. આથી આજરોજ બપોર બાદ પણ રાજકોટમાં વરસાદની પૂરી સંભાવના છે. ત્યારે આવતીકાલથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિવિધ સ્થળોએ હવામાન ખાતાએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે અને આજરોજ સાંજ સુધીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ગિર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લાના અમુક ભાગોમાં છૂટાછવાયાથી માંડી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે તેવી સંભાવના હવામાન કચેરીએ વ્યક્ત કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement