મુંબઈ: મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટમાં હવે શિવસેનાના વડા શ્રી ઉદ્ધવ ઠાકરે કયારે રાજયના મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપે તે પ્રશ્ન છે. એક તરફ શિવસેનાના વધુને વધુ ધારાસભ્યો તથા સાંસદો હવે બાગી નેતા એકનાથ શિંદે સાથે જોડાઈ રહ્યા છે. તે સમયે આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેમના માતોશ્રી નિવાસે યોજાયેલી ધારાસભ્યો તથા સાંસદોની બેઠકમાં ફકત 12 ધારાસભ્યો જ હાજર રહેતા ઠાકરે ને મોટો આંચકો લાગ્યો છે અને આ 12 ધારાસભ્ય તથા આદીત્ય ઠાકરે આજે માતોશ્રી બેઠકમાં સામેલ થયા હતા
જેનાથી હવે ઉદ્ધવ ઠાકરે માટે સરકાર બચાવવાના ભાગ્યે જ કોઈ વિકલ્પ છે. આ અગાઉ આજે ગુવાહાટીમાં કેમ્પ કરનાર બાગી નેતા એકનાથ શિંદેએ તેમની સાથે શિવસેનાના 42 તથા 7 અપક્ષોનો ટેકો હોવાના દાવા સાથે એક વિડીયો જાહેર કરીને આ તમામ 49 ધારાસભ્યોની તસ્વીર જાહેર કરીને હવે ઠાકરે કેમ્પને સીધો પડકાર ફેકી દીધો છે. શિવસેનાના 55 માંથી 42 ધારાસભ્યો શિંદે જૂથમાં હોવાથી શિવસેનામાં ભંગાણ નિશ્ચીત બની ગયું છે અને પક્ષાંતર વિરોધી ધારો પણ હવે લાગુ પડશે નહી.
બીજી તરફ હવે શિવસેનાએ તેના તમામ ટોચના પદાધિકારીઓને તાત્કાલીક માતોશ્રી ખાતે પહોચવા આદેશ આપ્યો છે અને માનવામાં આવે છે કે ઉદ્ધવ ઠાકરે હવે ગમે તે ઘડીએ રાજીનામુ આપી દેશે. બીજી તરફ શિંદે જૂથ હવે તેના ટેકેદાર ધારાસભ્યોને ગુવાહાટીથી ગોવા શીફટ કરે તેવી ધારણા અને એક વખત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હવે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. બીજી તરફ શિવસેનાના સાંસદોમાં પણ હવે ‘બાગી’નું સંક્રમણ પહોંચ્યું છે અને સેનાના 17 જેટલા સાંસદો શિંદે જૂથ સાથે જાય તેવી ધારણા છે.
શિંદેનું શક્તિ પ્રદર્શન
હાલ ગુવાહાટીમાં કેમ્પ કરી રહેલા બળવાખોર નેતા એકનાથ શિંદેએ શિવસેનાના 42 તથા 7 અપક્ષો સાથે શક્તિ પ્રદર્શન કરી ને ઉદ્ધવ ઠાકરે માટે હવે રાજીનામા સિવાય કોઈ વિકલ્પ રાખ્યો નથી.