નવી દિલ્હી,તા. 23 : મહારાષ્ટ્રમાં હાલ ચાલી રહેલા રાજકીય સંકટનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. મધ્યપ્રદેશના બળવાખોર નેતા જયા ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને શિવસેનાના બળવાખોર ધારાસભ્યો વિરુધ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે, જેના કારણે મહારાષ્ટ્રમાં સરકાર પડી ભાંગવાના દિવસો આવ્યા છે. જયાએ અરજીમાં એવી માંગ કરી છે કે શિવસેનાના જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે અથવા તો તેઓને વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે
તેવા ધારાસભ્યોને પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવો જોઇએ. જયા ઠાકુરે અરજીમાં જણાવ્યું છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના કારણે અન્ય રાજકીય પક્ષો પણ આ પરિસ્થિતિના કારણે નુકસાન ઉઠાવી રહ્યા છે અને આવા ધારાસભ્યો દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટાયેલી સરકારોને નષ્ટ કરતા રહે છે, આથી આવા ધારાસભ્યો પર સખ્ત કાર્યવાહી થવી જોઇએ. જયા ઠાકુરે અરજીમાં જણાવ્યું છે કે પક્ષ પલટો કરનારા ધારાસભ્યો અથવા રાજકીય પક્ષો દેશના લોકતાંત્રિક બંધારણને તોડવા પ્રયાસ કરી રહ્યા છે, એટલે આ મામલે અમે કોર્ટનો નિર્દેશ માગીએ છીએ.
જયા ઠાકુરે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે એવા સાંસદો કે ધારાસભ્યો કે જેઓ રાજીનામું આપે છે કે વિધાનસભામાંથી ગેરલાયક ઠરાવવામાં આવે છે તો તેમની પર ચૂંટણી પર પાંચ વર્ષનો પ્રતિબંધ મુકવો જોઇએ. સુપ્રીમ કોર્ટે પેન્ડીંગ અરજી મામલે 7 જાન્યુઆરી 2021ના કેન્દ્ર અને અન્યને નોટીસ ફટકારી હતી. અરજદારના જણાવ્યા મુજબ પ્રતિવાદી કેન્દ્ર અને અન્ય લોકોએ આજ સુધીમાં કાઉન્ટર એફિડેવીટ ફાઈલ કરી નથી. અરજદારે અંતમાં જણાવ્યું હતું કે લોકતાંત્રિક મૂલ્યોનું અન્ય બંધારણીય બાબતો સાથે સંતુલિત રાખવામાં આવે.