નવી દિલ્હી તા.23
મહારાષ્ટ્રમાં સર્જાયેલો રાજકીય ભૂકંપ કંઈ રાતોરાત નથી થયો. તેની ભૂમિકા તો કેટલાય સમયથી રચાઈ ગઈ હતી. અસંતુષ્ટ ધારાસભ્યોનો અસંતોષનો જવાળામુખીનો શિવસેના નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં તાજેતરમાં વિસ્ફોટ થયો હતો. હાલ આ રાજકીય ભૂકંપના આફટર શોક આવી રહ્યા છે, ત્યારે શિવસેનાના બળવાખોર ધારાસભ્ય સંજય સિરસતે ખુલ્લો જાહેર કરીને જણાવ્યું હતું કે છેલ્લા અઢી વર્ષથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા અમારી અવગણના થતી હતી.
સીએમને પોતાના જ પક્ષના ધારાસભ્યોને મળવાનો સમય નહોતો. એમને મળવા જતા ત્યારે કલાકો સુધી રસ્તા પર ઉભા રહીને રાહ જોવી પડતી હતી. આ પત્ર બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ શેર કરીને લખ્યું હતું- આ અમારા સૌની લાગણી છે.
સિરસતે વધુમાં જણાવ્યું હતું કે, આદીત્ય ઠાકર સાથે અયોધ્યા જવાથી અમને રોકવામાં આવ્યા હતા. રાજયસભાની ચૂંટણીઓમાં પણ અમારા પર વિશ્ર્વાસ ન કરવામાં આવ્યો. સીએમના સતાવાર નિવાસે એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યોને જ એન્ટ્રી અપાતી હતી.
પત્રમાં વધુમાં જણાવાયું છે કે, ધારાસભ્યો જ્યારે પોતાના વિધાનસભા ક્ષેત્રમાં જાય ત્યારે લોકો સવાલ કરતા કે સીએમ તમારા છે તો એનસીપીના અને કોંગ્રેસના ધારાસભ્યોને કેમ આટલું મહત્વ મળે છે? સિતરસે લખેલા પત્રમાં જણાવાયું છે કે અમારી સમસ્યા માત્ર એકનાથ શિંદે જ સાંભળતા હતા.
ધારાસભ્યે જાહેર કરતા પત્રમાં ઉદ્ધવ પર એવો કટાક્ષ કરાયો છે કે આપના દ્વારા એકત્ર કરાયેલા કહેવાતા ‘ચાણકયો’ એ અમને રાજયસભા અને વિધાન પરિષદ ચૂંટણીની રણનીતિથી દૂર રાખ્યા હતા. પરિણામ હવે આપની સામે છે.