રાજકોટ,તા. 23
મુંબઈ શેરબજારમાં રોલરકોસ્ટર રાઈડ જેવી હાલત હોય તેમ એક દિવસ તેજી અને બીજા દિવસે મંદી સર્જાતી રહી છે. આજે ફરી તેજીનો વળાંક આવ્યો હતો અને સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.
શેરબજારમાં આજે માનસ પ્રોત્સાહક બન્યું હતું. વિશ્વબજારની તેજીના પ્રભાવ હેઠળ ઘરઆંગણે પણ સુધારો થયો હતો. અમેરિકામાં વ્યાજદર વધારાનો સંકેત આપવામાં આવ્યો હોવા છતાં આર્થિક મંદીને દૂર રાખવાને પ્રાધાન્ય આપવાના ફેડ રિઝર્વના સંકેતોથી સારી અસર થઇ હતી. વિદેશી નાણા સંસ્થાઓની એકધારી વેચવાલી સહિતના વિપરીત કારણો હોવા છતાં તેને ડિસ્કાઉન્ટ કરી દેવામાં આવ્યા હતા.
ક્રૂડ તેલના ભાવો સતત નીચા આવવા લાગ્યા હોવાથી આંશિક રાહત થઇ હતી. કરન્સી માર્કેટમાં રુપિયો પણ સામાન્ય મજબૂત થતાં હાશકારો અનુભવાયો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટનો માહોલ હજુ અનિશ્ચિત જ બની રહ્યો છે અને અર્થતંત્ર સંબંધી નવા-નવા સંકેતો આધારિત વધ-ઘટ થતી રહી હોવાનું ચિત્ર છે.
શેરબજારમાં આજે ઓટો શેરો લાઇટમાં આવ્યા હતા. સારા ચોમાસાથી નવા વર્ષે વાહનોની ડીમાંડ વધવાના આશાવાદ હેઠળ મારુતિ, આઇશર મોટર, હીરો મોટો, બજાજ ઓટો સહિતના શેરો ઉંચકાયા હતા. આ સિવાય સ્ટેટ બેંક, ટીસીએસ, એશિયન પેઇન્ટસ, ભારતી એરટેલ, એચડીએફસી બેન્ક, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઇન્ફોસીસ, કોટક મહીન્દ્ર, લાર્સન, નેસ્લે જેવા શેરો ઉંચકાયા હતા. રિલાયન્સ, કોલ ઇન્ડીયા, પાવરગ્રીડ, એનટીપીસી જેવા શેરો ઘટાડો સૂચવતા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્સ 462 પોઇન્ટના ઉછાળાથી 52284 હતો જે ઉંચામાં 52516 તથા નીચામાં 51632 થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 150 પોઇન્ટના ઉછાળાથી 15563 હતો જે ઉંચામાં 15628 તથા નીચામાં 15367 હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે ભારતીય રુપિયો 5 પૈસા મજબૂત થઇને 78.34 હતો.