રાજકોટ તા.23
શહેરના રાજમાર્ગ યાજ્ઞિક રોડ પર સર્વેશ્ર્વર ચોકમાં શેફાયર કોમ્પલેક્સમાં વી.જે.સન્સ પટોળા નામની દુકાનના શટર ઉંચકાવીને રૂ.46.93 લાખની કિંમતના પટોળા અને દુપટ્ટાની થયેલી પડકારરૂપ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.ઇકો કારમાં આવેલા તસ્કરોને પકડવા રાજકોટ પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે પગરું દબાવીને ચોરી કરનાર સુરેન્દ્રનગર પંથકની એક ટોળકીને ઉઠાવી તેની પૂછપરછ કરતી હોવાનું માલુમ પડ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,રામકૃષ્ણનગર વેસ્ટમાં રહેતા અને વી.જે.સન્સ પટોળા નામથી દુકાન ચલાવતા વિપુલભાઇ જીવરાજભાઇ વાઢેરની સર્વેશ્વર ચોકમાં વી.જે. સન્સ નામથી દુકાનમાં ત્રણ દિવસ પૂર્વે વહેલી સવારે ત્રાટકેલા તસ્કરો શટર ઉંચકાવી મુખ્ય દરવાજાનો કાંચ તોડીને કિંમતી પટોળા ભરેલા પાંચ થેલા ચોરી ગયા હતા.આ થેલામાં રૂ. 46.93ની કિમતના પટોળા હતા.બહાદુર નેપાળી ચોકીદારે તસ્કરોને વહેલી સવારે ઇકો કારમાં ભાગતા જોયા હતા.કારની પાછળની નંબર પ્લેટમાં એક કપડું બાંધેલી હોવાની પણ ચોકીદારે પોલીસને માહિતી આપી હતી.
આ લાખોના પટોળાની ચોરીનો ભેદ ઉકેલવા એ ડીવીઝન પોલીસ,ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજીના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા ઇકો કારમાં ભાગેલા શકમંદો ગ્રીનલેન્ડ ચોકડી થઇ અમદાવાદ તરફ ગયાની માહિતી મળી હતી.આ માહિતીના આધારે કરેલી તપાસમાં ચોરીમાં સંડોવાયેલા શખસોના કુવાડવા સુધીના સીસીટીવી ફુટેઝ મળ્યા હતા.
ત્યારબાદ રાજકોટની ટીમે આ ટોળકી સુર ન્દ્રનગર પંથકની હોવાનું માલુમ પડતા તેમને ઉઠાવી તેની પૂછપરછ કરી હતી.તેઓની પૂછપરછમાં આ ચોરાઉ પટોળા ટ્રાવેલ્સ મારફતે મુંબઇ મોકલ્યા હોવાનું માલુમ પડતા જે પોલીસે ગમે તે કરી તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો હતો.આ ગુન્હામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ? એ અંગે પણ હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.