રાજકોટ તા.23 : સૌરાષ્ટ્રની જુદી-જુદી કંપનીઓની તરફેણમાં મજુર અદાલતે ચુકાદાઓ આપ્યા છે જે મુજબ કચ્છની હિન્દુસ્તાન લીવર લી.ના 4 કર્મચારીને છુટા કરવા મામલે કેસ ચાલતા કંપની તરફે દલીલ થયેલી કે કામદારો ચોરીની ગેરવર્તણુંકમાં સંડોવાયેલા હતા. તક આપ્યા બાદ નોકરીમાંથી છુટા કરેલા, જેથી આ કેસ મજુર અદાલતે રદ કર્યો હતો. ચોરવાડ ગડુ ખાતે ગદરે કંપની સામે કોન્ટ્રાકટના શ્રમિકોને કામે લેવા કેસ કરેલો જેમાં પણ શ્રમયોગીઓ કોન્ટ્રાકટ પર કામ કરતા હોવાની દલીલ કંપની તરફે થતા મજુર અદાલત જુનાગઢે શ્રમિકોની માંગણી કરતી અરજી રદ કરી હતી.
ભાવનગરની ઈન્ડસ્ટ્રીયલ જવેલર્સ કંપની સામે થયેલા કેસમાં મજુર અદાલતે ઠરાવેલ કે કામદાર લાંબા સમયથી ગેરહાજર રહેતા, સુધરવા તક આપેલ, જેથી ફરી કામે ન રાખી શકાય. ભાવનગરની સ્ટીલ કાસ્ટ લી. કંપની સામે પુન: સ્થાપિત થયા અને ચડત રોજ ચુકવવાની માંગણી સાથેના કેસમાં પણ શ્રમયોગીની 60 વર્ષ ઉંમર ધરાવતા હોય અને લાંબા સમયથી કેસ પડતર હોય તેવા કિસ્સામાં 85000 ફુલ એન્ડ ફાઈનલ પેટે ચુકવવા હુકમ કરી કેસનો નિકાલ મજુર અદાલતે કર્યો હતો. અલગ અલગ મજુર અદાલતો સમક્ષ ઉપરોક્ત કંપનીઓ વતી રાજકોટના સીનીયર એડવોકેટ યોગેશભાઈ રાજયગુરૂ તથા એડવોકેટ જયેશભાઈ યાદવ રોકાયા હતા.