રાજકોટ,તા.23
બે દિવસ પહેલા કોઠારીયા રોડ પરથી રીક્ષાની ચોરી કરનાર સુરેન્દ્રનગરના કુખ્યાત અનિલ ઉર્ફે કાળુને ભકિતનગર પોલીસે દબોચી રીમાન્ડમાં પુછપરછ કરતાં વધુ ત્રણ રીક્ષા ચોરીની કબુલાત આપતાં હુડકો ચોકડી પાસેથી રૂ।.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર બે દિવસ પહેલા કોઠારીયા રોડ પર ન્યુસાગર સોસાયટી શેરીનં.05માં રહેતા મીતેશભાઈ જેન્તીભાઈ ટીલાવતે પોતાના ઘર પાસેથી તેમની સીએનજી ઓટો રીક્ષા ગુમ થયાની ફરીયાદ ભકિતનગર પોલીસ મથકે નોંધાવી હતી. જે ફરીયાદના આધારે પી.આઈ. એલ.એલ.ચાવડાની રાહબરી હેઠળ પી.એસ.આઈ એચ.એન.રાયજાદ્દા અને ટીમે તપાસ હાથ ધરતાં તા.21ના હુડકો ચોકડી પાસેથી અનિલ ઉર્ફે કાળુ રમણ મકવાણા (ઉ.વ.42) (રહે સુરેન્દ્રનગર)ને પકડી પોકેટ હોય એપ આધારે તપાસ કરતાં ચોરીના ગુનામાં પકડાઈ ચુકેલ હોઈ જેમને પુછપરછ માટે રીમાન્ડમાં લેવા કોર્ટમાં રજુ કરવામાં આવેલ હતો.
આરોપીની ટીમાન્ડમાં સઘન પુછપરછ કરતા તેની ગોંડલ ચોકડી પાસે કોમ્પ્લેક્ષ નજીકથી ભાવનગર રોડ પારેવડી ચોક પાસેથી અને હુડકો ચોકડીની બાજુ માંથી ત્રણ રીક્ષાની ચોરી કરેલ હતી. તેમજ ત્રણેય રીક્ષા ચોરી કરીને હુડકો ચોકડી નજીક સર્વિસ રોડ પર રાખી હોવાની કબુલાત આપતા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ચાવડા અને કોન્સ્ટેબલ વાલજીભાઈ જાડાએ ત્રણ રીક્ષા મળી રૂ।.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ રીક્ષાના ચોરીના ભેદ ખોલવા આરોપીની પુછપરછ હાથ ધરવામાં આવી હતી.
રીક્ષાચોર અનીલ પર ચોરી, મારામારી અને હત્યાના અનેક જીલ્લામાં ગુના નોંધાયા છે
રીક્ષાચોરીના ગુનામાં ઝડપાયેલો સુરેન્દ્રનગરનો અનિલ ઉર્ફે કાળુ ગુનાખોરીનો શહેરશાહ છે. તેમના ઉપર ચોરી, મારામારી અને હત્યા જેવા સુરેન્દ્રનગર, અમદાવાદ અને રાજકોટ સહીતના જીલ્લામાં ગુના નોંધાયેલ છે. અને આરોપી પોતે ગાંજો પિવાનો વ્યસની છે.મકાનની બાજુમાં પાર્ક કરેલી રીક્ષા ડાયરેકટ કરીને ચોરી કરી નાશી છુટતો હતો.