રાજકોટ,તા.23
જસદણમાં રીસામણે રહેતી પુત્રીના સમાધાન માટે બોલાવેલી મીટીંગમાં બંને પક્ષ તરફે ઉગ્ર બોલાચાલી થતા ધોકા અને પાઇપથી મારામારીની ઘટના ઘટી હતી. જેમાં બે મહીલા સહીત ત્રણ શખ્સોને ઇજા પહોંચી હતી. બનાવ અંગે ઇજાગ્રસ્ત સવીતાબેન કોળીએ જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની વધુ વિગત અનુસાર સવિતાબેન ધીરૂભાઇ જતાપરા (ઉ.વ.50) રહે. લોહીયા નગર, જસદણ) એ ફરીયાદમાં જણાવ્યા અનુસાર મારે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેમના લગ્ન અઢી વર્ષ પહેલા જસદણના ફુલઝાર ગામે રહેતા રમેશભાઇ મનજીભાઇ પરમારના પુત્ર રણજીત સાથે મારી પુત્રી નયનાના અને તેની પુત્રી જાગૃતિ સાથે મારા પુત્ર સંજય સાથે લગ્ન કરેલ હતા. જે બાદ મારા પુત્ર સંજય સાથે તેની પત્ની જાગૃતિ અવાર નવાર ઝઘડા કરતી હોઇ તેમજ કોઇને જાણ કર્યા વગર બહારગામ ચાલી જતી હતી.
જે બાબતે અવાર નવાર વેવાઇને પણ જાણ કરી હતી. પરંતુ વેવાઇએ કહેલ કે, હવેથી તમારો પ્રશ્ન છે. તમારી જવાબદારી છે. તેવું કહેતા બાદમાં પુત્રવધુને અમે 15 દિવસ પહેલા માવતર મુકાયાવેલ હતા. જે બાદ ગત 19 તારીખના વેવાઇ રમેશભાઇ તેનો પુત્ર કિશન અને તેનો ભાઇ મગન સહીતના 30 શખ્સો સમાધાન માટે અમારા ઘરે આવ્યા હતા.
જયાં મીટીંગમાં બોલાચાલી કરી ઉશ્કેરાઇને કિશને મારી પર પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં મને બચાવવા વચ્ચે પડેલા મારી દેરાણી ભાનુબેન અને મારા પુત્ર સંજયને રમેશ, મગન અને વિપુલે પાઇપ વડે માર મારતા શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની ફરીયાદ પરથી જસદણ પોલીસ મથકના એએસઆઇ અમરાભાઇ સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.