અમદાવાદ, તા.23
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145 મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેની સમીક્ષા કરવા આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને મંદિર પ્રશાસન અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. રથયાત્રા દરમિયાન 25,000થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
રથયાત્રા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પદાધિકારીઓ, કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા દ્વારા રથયાત્રાના રૂટ ઉપર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ચકલેશ્વર મહાદેવ પાસે એક રેલિંગ છે જેને દૂર કરવા માટે સૂચના અપાઈ હતી.
આ ઉપરાંત શાહપુર પાસે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં પતરા દૂર કરવામાં આવ્યા છે. ત્યાં પાકો રોડ બનાવી દેવા માટે જણાવી દેવાયું છે. જેના કારણે રથયાત્રાના રૂટ દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફ ન સર્જાય તેની ખાસ ચોક્સાઇ રાખવામાં.આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રથયાત્રામાં 25 હજાર પોલીસ સહિત એસઆરપી અને સીઆરપીએફની 68 કંપનીનો બંદોબસ્ત રહેશે. ઉપરાંત 8 ડીજી-આઈજી, 30 એસપી, 35 એસીપી પણ તૈનાત રાખવામાં આવ્યા છે.
ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. તેઓએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી, અને રથયાત્રાની તૈયારી અંગે સમીક્ષા કરી હતો. મંદિરે દર્શન કરવા સમયે તેમની સાથે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાત્સવ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, મહંત પૂ.દિલીપદાસ તસ્વીરમાં નજરે પડે છે.
અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભટ્ટ, કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્ર શાહ, વિવિધ કમિટિના ચેરમેનો, મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ જે રથયાત્રાના રુટની મુલાકાત લીધી હતી. સમીક્ષા કરી જ્યાં રોડ કરવાની જરૂર હોય ત્યાં કામગીરી કરવા અને દબાણ હટાવવા સૂચના આપી હતી.