રાજકોટ, તા.23 : વામ્બે આવસ યોજના ક્વાર્ટરમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી નીકળેલા જયદીપ શૈલેષ બગડાએ એક પાલતું શ્વાનને ઇકો નીચે કચડી નાખી તેનું મોત નિપજતા શ્વાન માલિક જ્યોતિબેન મનસુખલાલ ગોસાઈ(ઉ.વ.46, રહે. વામ્બે આવાસ, નાનામવા રોડ)એ તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ કરી અને વધુ તપાસ હાથ ધરી છે.
જ્યોતિબે ગોસાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા.20/6/2022 ના રોજ સાંજે સાડા આઠ વાગ્યે હું શાકભાજી લઇ ને ઘરે આવેલ તો અમારા બ્લોક સામે રોડ પ2 માણસોના ટોળા ઉભા હતા. જેથી મે અમારા પાડોશી પ્રભાબેનને પુછતા એમણે મને કહેલ કે તમારુ પાળેલુ કુતરૂ રોડની સાઇડમાં બેઠુ હતું ત્યારે અહીં રહેતા શૈલેષભાઇ બગડાના દિકરા જયદિપે તેની ઇકો કાર પુરઝડપે, બેફીકરાઇથી ચલાવી અને કુતરાને કચડી નાખેલ છે,
અને મરી ગયેલ છે. જેથી મે જોયેલ તો કુતરા ને ડોકે શરીરે ઇજાઓ હતી અને તે કુતરું મૃત્યુ પામેલ હતુ અને શૈલેષભાઇ બગડાના ઘરે જઇ સમજાવેલ કે તમારા છોકરાને સમજાવો અહી આવી રીતે ફૂલ સ્પીડમાં કાર ન ચલાવે જેથી આવો બનાવ ન બને અને અબોલ જાનવર કે નાના બાળકોને નુકસાન ન થાય તેમ સમજાવેલ પરંતુ તેને અમારી સાથે ખરાબ વર્તન કરેલ હતુ.
આ શૈલેષભાઇ માથા ભારે માણસ હોય જેના ડરથી આજસુધી હું ફરીયાદ કરવા આવેલ નહતી અને પણ બાદમાં અમારી સોસાયરીના પ્રમુખ વિજયપરી ભીખુપરી ગૌસ્વામી તેમના પત્નિ મંજુબેન અન્સ પ્રભાબેન બળવંતરાય વ્યાસ સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. જ્યોતિબેને આક્ષેપ સાથે જણાવ્યું કે, જ્યારે જયદીપને સમજાવવા ગયા ત્યારે તેણે કહેલું કે, આ તો તમારૂ કુતરું હતું, વચ્ચે આવે તો માણસ પણ ઉડતા જાય. હાલ પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.