રાજકોટ, તા.23 : શહેરની ભાગોળે સણોસરા ગામની સીમમાં હથીયારથી હુમલો કરી ધાડ પાડી લૂંટ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં પકડાયેલ અમુક આરોપી અગાઉ જામીન મુક્ત થયા હતા ત્યારે હવે મુખ્ય સુત્રાધાર આરોપીની જામીન અરજી સેસન્સ કોર્ટે મંજુર કરી છે. આ કેસની હકિકત મુજબ સણોસરા ગામની સીમમાં ફરીયાદી વીરજીભાઈ ભગવાનજીભાઈ બાવળીયા પોતાની વાડીએ પરિવારના સભ્યો સાથે સુતા હતા.
ત્યારે અજાણ્યા આરોપીઓએ ધારીયા, દાંતરડા જેવા હથિયાર સાથે હુમલો કરેલો અને રોકડ રૂા. 1.38 લાખ અને સોનાચાંદીના દાગીના મળી કુલ રૂા.1. 99 લાખની મતાની લુંટ કરી હતી. જે અંગે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે આરોપી અરવિંદ વેસ્તાભાઈ હઠીલા સહિતનાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
અરવિંદ હઠીલાએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલી જતા બચવા પક્ષના વકીલે ધારદાર રજૂઆતો કરી હતી અને તેમની દલીલો અને ઉચ્ચ અદાલતના રજુ રાખેલ ચુકાદા ધ્યાન લઈ સેસન્સ કોર્ટે બચાવ પક્ષની દલીલ ગ્રાહય રાખી આરોપીને જામીન ઉપર મુક્ત કરવા હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં આરોપી વતી યુવા એડવોકેટ વિજય ડી. બાવળીયા અને રમઝાન આઈ. આગરીયા રોકાયેલા હતા.