રાજકોટ, તા.23
શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પર માધવ ફાયનાન્સમાંથી રાજેશ નરશીભાઈ વેકરીયાએ લોન લીધા બાદ ચડત હપ્તા સાથેની રકમ ચૂકવવા આપેલો રૂ.6.80 લાખનો ચેક રિટર્ન થતા રાજેશને કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે. કેસની વિગત મુજબ માધવ ફાયનાન્સમાંથી આરોપી રાજેશ વેકરિયા (રહે. મેટોડા, તા.પડધરી)એ રૂ.4,10,000ની લોન લીધી હતી,
જેના ચડત હપ્તાની રકમ રૂ.2,70,000 મળી રૂા.6,80,000 નો ચેક લોન ચૂકતે કરવા આપેલો પણ આ ચેક રિટર્ન થતા માધવ ફાયનાન્સના સંજયભાઈ હંસરાજભાઈ ગોહીલે આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરી હતી. આ કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુએ અદાલત સમક્ષ સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટોના ચુકાદાઓ સાથે એવી રજુઆતો કરેલ કે, પ્રિપોન્ડરન્સ ઓફ પ્રોબેબીલીટી જેટલો પુરાવો રેડર્ડ પર લાવવામાં આરોપી પક્ષ નિષ્ફળ નીવડેલ છે. એ સિવાય મૌખિક અને લેખિત પુરાવા સાથે લંબાણ પુર્વકની દલીલો કરી હતી.
બન્ને પક્ષની દલીલો બાદ એડી. ચીફ જ્યુડી. મેજી. એ.પી. ડેરએ આરોપી રાજેશ વેકરીયાને તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા ઉપરાંત રકમ રૂ.6,80,000 બે માસમાં ફરીયાદીને વળતર પેટે ચુકવવા અને તેમા કસુર કર્યે વધુ એક વર્ષની સજા ફરમાવતો સમાચીન્હરૂપ ચુકાદો ફરમાવ્યો છે. આ કેસમાં ફરીયાદી માધવ ફાયનાન્સના સંજયભાઈ ગોહિલ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલા હતા.