રાજકોટ,તા. 23
બેંકમાંથી લોન લઇ હપ્તા ન ભરવાની લોકોની માનસિકતા અને આવા વર્તન સામે રાજકોટની ચીફ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. જેમાં લોન ન ભરનાર બાકીદારની મિલ્કતનો કબજો બેંકને સોંપવા કોર્ટે હુકમ કર્યો છે. આ અંગેની વિગત મુજબ રાજેશ ઉર્ફે રાજેન્દ્ર ભગવાનજીભાઈ ખોખરે બંધન બેંકમાંથી સિક્યોર્ડ હોમ લોન મેળવી હતી.
જે બાદ તેણે લોનના હપ્તા ભર્યા નહોતા. જેથી રૂા. 7,65,613 જેવી લેણી રકમ નીકળતી હોય પણ રાજેશભાઈ લોન ચુકવવામાં નિષ્ફળ જતા બેંકે સરફેસી એક્ટ-2002 હેઠળ કોર્ટમાં બાકીદારની મિલ્કત એટલે કે તેના ફલેટનો કબ્જો મેળવવા અરજી કરી હતી.જે અરજી ચાલી જતા ચીફ કોર્ટના જજે બાકીદારની મિલ્કતનો કબ્જો બેંકને સોંપવા હુકમ કર્યો હતો.
તેમ છતાં બાકીદારે લોન ચુકવવા કોઇ દરકાર લીધેલ ન હોય, બેંકમાંથી લોન લઇને હપ્તા ન ભરવાની લોકોની માનસિકતા તથા વર્તન સામે દાખલારુપ હુકમ કરી તથા કોર્ટનાં હુકમની અમલવારી માટે કોર્ટ કમિશનર તથા પોલીસ બંદોબસ્ત સાથે બાકીદારની મિલ્કતનો કબજો સોંપી નોંધવાલાયક દાખલો બેસાડ્યો છે. આ અરજીના કામે બંધન બેંક તરફે એડવોકેટ મોહીત ડી. લીંબાસીયા, હીરેન એચ. પંડ્યા અને ચિરાગ એચ. પરમાર, હિમાંશુ પરમાર, વિવેક સંચાણીયા તથા જીજ્ઞેશ કલસારીયા રોકાયેલા છે.