* છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ગર્ભપાતના કિસ્સામાં ઝડપથી વધારો થતા આ મુદ્દે વિવાદ છેડાયો હતો
વોશિંગ્ટન (અમેરિકા) તા.25
અમેરિકાની સુપ્રીમ કોર્ટે 50 વર્ષ પહેલાના રો વર્સીસ વેડના ફેસલાને પલટીને ગર્ભપાતને મળતું બંધારણીય સંરક્ષણ સમાપ્ત કરી દીધું છે, જેને પગલે હવે અમેરિકામાં ગર્ભપાત કોઈ નહીં કરાવી શકે, ગર્ભપાત ગેરકાયદે ગણાશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં હાલના દિવસોમાં ગર્ભપાતના કેસમાં ઝડપથી વધારો થયો હતો. મહિલાઓને ગર્ભપાત કરાવવાનો હક આપવામાં આવે કે નહીં એ મુદે ઘણા સમયથી વિવાદ છેડાયો હતો. શુક્રવારે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગર્ભપાતને મળતું બંધારણીય સંરક્ષણને ખતમ કરી નાખ્યું છે.
શુક્રવારે થયેલા આ ઘટનાક્રમથી લગભગ અડધા ભાગના રાજયોમાં ગર્ભપાત પર પ્રતિબંધ લાગવાની અપેક્ષા છે. ન્યાયમૂર્તિ સેમ્યુઅલ અલિટોના એક મુસદ્દા રાયના આશ્ચર્યજનક ઢંગથી લીક થવાના એક મહિનાથી વધુ સમય બાદ આ ફેસલો આવ્યો છે. એક મહિના પહેલા ન્યાયાધીશની આ મુસદ્દા રાય લીક થઈ ગઈ હતી કે અદાલત ગર્ભપાતને મળેલા બંધારણીય સંરક્ષણને ખતમ કરી શકે છે.
અદાલતનો આ ફેસલો મોટાભાગના અમેરિકનોના એ અભિપ્રાયથી વિપરીત છે કે 1973ના રો વર્સીસ વેડ ફેસલાને યથાવત રાખવામાં આવે. જેમાં કહેવામાં આવ્યું હતું કે ગર્ભપાત કરાવવો અને ન કરાવવો તે નકકી કરવું મહિલાઓનો અધિકાર છે. આ ફેસલાથી ત્યારે અમેરિકામાં મહિલાઓને સુરક્ષિત ગર્ભપાતનો અધિકાર મળ્યો હતો. હવે ગઈકાલે અમેરિકાની સુપ્રીમ કોર્ટે આપેલા ફેસલા મુજબ અમેરિકામાં ગર્ભપાત ગેરકાયદે બની જશે. અમેરિકામાં 50 વર્ષ બાદ ગર્ભપાત ગેરકાયદે બન્યો છે.