રાજકોટ તા.25 : ગુજરાતી સિનેમાઘરોમાં ધૂમ મચાવનાર વધુ એક ધમાકેદાર ફિલ્મ ‘સાતમ-આઠમ’ આગામી 1 જુલાઈના થીયેટરોમાં રીલીઝ થવા જઈ રહી છે. અર્બન ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રથમ મહિલા ફિલ્મ ડિરેકટર શીતલ શાહ દિગ્દર્શિત ફિલ્મ ‘સાતમ આઠમ’નું નિર્માણ લાઈમ લાઈટ પિકચર્સ દ્વારા કરવામાં આવ્યું છે.
આ ટીમે પહેલા બોલીવુડની ‘અ વેનસ ડે’, ‘સ્પેશ્યલ 26’, ‘બેબી સ્પેશ્યલ ઓપ્સ’ જેવી બ્લોક બસ્ટર ફિલ્મો અને વેબ સીરીઝ બનાવી છે. ’સાતમ આઠમ’ની સ્ટાર કાસ્ટે ‘સાંજ સમાચાર’ હાઉસની મુલાકાત દરમ્યાન જણાવ્યું કે આ ફિલ્મ રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર છે. જેમાં અનેક ટવીસ્ટ એન્ડ ટર્ન આવે છે, ફિલ્મની વાર્તા મન્ના (પરિક્ષિત તમાળીયા) નામના વ્યકિતની આગળ પાછળની છે જે સોપારી કિલર છે. જે આખો દિવસ ગુંડાગર્દી કરે છે. એકલુ જીવન જીવતા મુન્નાના જીવનમાં પ્રેમ બની વિશાખા (ડેનીશા ધુમરા)ની એન્ટ્રી થાય છે અને ત્યાર બાદ મુન્નાના જીવનમાં અનેક વણાંકો આવે છે. જે હવે 1 જુલાઈએ સિનેમાઘરોમાં જોવાનું રહેશે.
ફિલ્મના ડિરેકટર શીતલ શાહ પોતે મૂળ સૌરાષ્ટ્ર-સુરેન્દ્રનગરના છે. તેઓ ડિરેકટરની સાથે શ્રેષ્ઠ અભિનેત્રી પણ છે. જે અર્બન ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રથમ ફીમેલ ફિલ્મ ડિરેકટર છે, ફિલ્મના હીરો પરિક્ષિત તમાલીયા પણ સુરેન્દ્રનગરના છે. આ ઉપરાંત અભિનેત્રી ડેનીશા ધુમરા પોતે એક નેશનલ એવોડઅ વિજેતા છે. દિગ્દર્શક શીતલ શાહે આ પહેલા હું તુ તુ તુ-આવી રમતની ઋતુ અને દુનિયાદારી જેવી ફિલ્મોમાં પણ દિગ્દર્શકનું સુકાન સંભાળ્યું હતું. આ ફિલ્મનું સંપૂર્ણ શુટીંગ અમદાવાદમાં જ કરવામાં આવ્યું છે.
ફિલ્મને આર્ટીફીશીયલ નહીં પરંતુ ઓરીજનલ રાખવા અમદાવાદમાં કોઈ ખોટી સેટ ઉભો કરવાને બદલે મૂળ જગ્યા પર જ શુટીંગ કરવામાં આવ્યું છે. જેથી દર્શકો ફિલ્મ સાથે લાગણીથી જોડાઈ જશે. માત્ર 19 દિવસમાં જ ફિલ્મનું શુટિંગ પુર્ણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની ખાસ વાત એ છે કે ફિલ્મને સફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા 3 મહિલાઓની છે. 10 મેલ કાસ્ટ વચ્ચે 3 ફિમેલ આર્ટિસ્ટે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું.
‘સાંજ સમાચાર’ની મુલાકાતે સાતમ-આઠમ ફિલ્મના દિગ્દર્શક શીતલ શાહ, અભિનેતા પરીક્ષિત તમાલીયા, અભિનેત્રી ડેનીશા ધુમરા. (તસ્વીર: પંકજ શીશાંગીયા)