ભારત-આયર્લેન્ડ મેચમાં રનોનો વરસાદ: 126 બોલમાં લાગ્યા 12 છગ્ગા, 19 ચોગ્ગા, બન્યા 219 રન

27 June 2022 10:29 AM
India Sports World
  • ભારત-આયર્લેન્ડ મેચમાં રનોનો વરસાદ: 126 બોલમાં લાગ્યા 12 છગ્ગા, 19 ચોગ્ગા, બન્યા 219 રન

વરસાદ વિઘ્ન બનતાં મેચ 12-12 ઓવરની કરાઈ: આયર્લેન્ડે બનાવેલા 109 રનના લક્ષ્યાંકને ભારતે 9.4 ઓવરમાં જ કર્યો હાંસલ: દીપક હુડ્ડાએ ઝૂડ્યા અણનમ 47 રન: ઉમરાનનું ડેબ્યુ રહ્યું ખરાબ

નવીદિલ્હી, તા.27
યુવા કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાનીમાં આયર્લેન્ડ પહોંચેલી ટીમ ઈન્ડિયાએ પોતાના પ્રવાસની શરૂઆત જીત સાથે કરી છે. ડબલિનમાં રમાયેલી બે મેચની ટી-20 શ્રેણીના પહેલાં મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે જીત હાંસલ કરી છે. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી આ મેચમાં રનોનો વરસાદ પણ એટલો જ વરસ્યો હતો આમ છતાં ભારતે સરળતાથી આ મેચને પોતાના નામે કરી લઈને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

વરસાદને કારણે મેચ અંદાજે અઢી કલાક વિલંબથી શરૂ થઈ હતી જેના કારણે 12-12 ઓવર જ રમાડી શકાઈ હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય લીધો હતો. ભારત વતી ઉમરાન મલિકે ટી-20માં પોતાનું ડેબ્યુ કર્યું હતું. જો કે તેનું ડેબ્યુ યાદગાર રહ્યું નહોતું અને તેણે એક જ ઓવરમાં 14 રન આપી દીધા હતા. 12 ઓવરની આ મેચમાં આયર્લેન્ડે પહેલાં બેટિંગ કરતાં 108 રનનો સ્કોર બનાવ્યો હતો.

આયર્લેન્ડના હેરી ટેક્ટરે માત્ર 32 બોલમાં 64 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં તેણે 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યા હતા. ટીમ ઈન્ડિયા વતી યુઝર્વેન્દ્ર ચહલે જબદરસ્ત બોલિંગ કરી હતી. તેણે પોતાના ક્વોટાની ત્રણ ઓવરમાં માત્ર 11 રન આપીને એક વિકેટ ખેડવી હતી.

આયર્લેન્ડ તરફથી મળેલા લક્ષ્યાંકને ભારતે માત્ર 9.4 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા વતી ઈશાન કિશન-દીપક હુડ્ડાએ ઓપનિંગ કરી હતી. ઈશાને 11 બોલમાં 26 રન બનાવ્યા હતા જ્યારે સૂર્યકુમાર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો. ત્યારપછી દીપક હુડ્ડાએ કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે મળીને ટીમ ઈન્ડિયાની જીત નિશ્ર્ચિત બનાવી હતી. હુડ્ડાએ 29 બોલમાં 47 રન તો હાર્દિક પંડ્યાએ 12 બોલમાં 24 રન ઝૂડ્યા હતા.

માત્ર 21 ઓવરની આ મેચમાં પણ 12 છગ્ગા લાગ્યા અને 200થી વધુ રન બનાવ્યા હતા. બે મેચની આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ થઈ ગઈ છે અને હવે આવતીકાલે શ્રેણીની બીજી અને અંતિમ મેચ રમાશે.


Related News

Loading...
Advertisement
Advertisement