સૌરાષ્ટ્રમાં તોફાની પવનથી વીજસેવાને વ્યાપક અસર : 572 થાંભલા ધરાશાયી

27 June 2022 11:35 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં તોફાની પવનથી વીજસેવાને વ્યાપક અસર : 572 થાંભલા ધરાશાયી

જામનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી જેવા જિલ્લાઓમાં વ્યાપક અસર : 36 ગામોમાં અંધારપટ : 180 ફીડરો તથા અનેક ટ્રાન્સફોર્મરોને નુકસાન

રાજકોટ,તા. 27
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં મિની વાવાઝોડા જેવા વાતાવરણમાં વરસાદ ખાબકતા વિજ તંત્રને વ્યાપક નુકશાન થયું છે. સૌરાષ્ટ્રભરમાં 572 વીજ થાંભલાઓનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. ઉપરાંત 36 ગામોમાં અંધારપટ સર્જાયો હતો અને 180 જેટલા વીજ ફીડર બંધ પડયા હતા.

પશ્ચિમ વીજ ગુજરાત કંપની (પીજીવીસીએલ)ના સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ, મોરબી, અમરેલી, ખંભાળિયા સહિતના અનેક જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં રવિવારે સાંજે ઝંઝાવાતી પવન સાથે તોફાની વાતાવરણ સર્જાયુ હતું. થોડો વખત 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હોવાથી શહેરથી માંડીને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ઉપકરણોને વ્યાપક અસર થઇ હતી.

વીજળી ગૂલ થઇ જવાની સાથોસાથ વીજ થાંભલા પડી જતા, ટ્રાન્સફોર્મરોને નુકશાન થવા, ફીડર ફોલ્ટ થવા સહિતના ઘટનાક્રમો સર્જાયા હતા. સૌરાષ્ટ્રમાં કુલ 572 વીજ થાંભલા પડી ગયા અથવા નુકશાની થયાના પ્રાથમિક રિપોર્ટ મળ્યા છે. રાજકોટ શહેરમાં 36 થાંભલાઓને નુકશાન થયું હતું જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 84, પોરબંદર પંથકમાં 111, જૂનાગઢ પંથકમાં 54, જામનગરમાં 187, ભુજમાં 10, અંજારમાં 10, ભાવનગરમાં 7, અમરેલીમાં 61 તથા સુરેન્દ્રનગરમાં 12 થાંભલાઓ ધરાશાયી થયા હતા અથવા નુકશાન પામ્યા હતા.

આ સિવાય 36 ગામોમાં અંધારપટની હાલત સર્જાઇ હતી. રાજકોટ ગ્રામ્યના 3, મોરબીના 5, જામનગરના 7, સુરેન્દ્રનગરના 20 તથા બોટાદના 1 ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જે પુન: નોર્મલ કરવા માટે તંત્ર દ્વારા તાકીદની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યોતિગ્રામ, એગ્રીકલ્ચર તથા અર્બન ફીડરોને પણ નુકશાન થયું હતું.સૌથી વધુ 172 એગ્રીકલ્ચર ફીડર બંધ થયા હતા.

વીજ તંત્રના સુત્રોએ જણાવ્યું હતું કે, તોફાની મિજાજ સાથેના વરસાદને કારણે ઠેકઠેકાણે જુદા-જુદા ફોલ્ટ સર્જાતા લાઇન સ્ટાફને સતત દોડતું રહેવું પડ્યું હતું. રાજકોટમાં પણ આખી રાત કામગીરી ચાલી હતી. ઝાડ અથવા તેની ડાળીઓ વીજ તાર પર પડી હોવાના કારણે પણ પુરવઠો ખોરવાઈ જવાના બનાવો બન્યા હતાં.


Related News

Loading...
Advertisement
Advertisement