રોહિત શર્માને ટી-20 કેપ્ટન તરીકે હટાવાઈ શકે છે: સહેવાગ

28 June 2022 12:02 PM
India Sports
  • રોહિત શર્માને ટી-20 કેપ્ટન તરીકે હટાવાઈ શકે છે: સહેવાગ

વન-ડે અને ટેસ્ટ ફોર્મેટમાં ધ્યાન કેન્દ્રીત થઈ શકે તે માટે નિર્ણય લેવાય તેવી શક્યતા વ્યક્ત કરતો પૂર્વ ભારતીય ધુરંધર ખેલાડી: જો ટીમ મેનેજમેન્ટ એક જ કેપ્ટન રાખવા ઈચ્છે તો તેના માટે રોહિત શ્રેષ્ઠ

નવીદિલ્હી, તા.28
ભારતના પૂર્વ ઓપનિંગ બેટર વીરેન્દ્ર સહેવાગનું માનવું છે કે રોહિત શર્માને ટી-20 ટીમની કેપ્ટનશિપમાંથી આરામ આપવામાં આવી શકે છે જેથી તે પોતાના કાર્યભારને યોગ્ય રીતે મેનેજ કરી શકે. રોહિત કેપ્ટન બન્યા બાદથી ઈજા અને વર્કલોડ મેનેજમેન્ટને કારણે યોગ્ય રીતે રમી શકતો નથી. સેહવાગે કહ્યું કે જો ભારતીય ટીમ મેનેજમેન્ટના મનમાં ટી-20 કેપ્ટન તરીકે કોઈ અન્યનું નામ છે તો રોહિતને કેપ્ટનપદેથી હટાવાઈ શકે છે.

સહેવાગે કહ્યું કે ટી-20માં નવો કેપ્ટન હોવાથી રોહિત બ્રેક લઈને ટેસ્ટ અને વન-ડે માટે તરોતાજા રહી શકશે. જો કે ટીમ મેનેજમેન્ટ દરેક ફોર્મેટમાં એક જ કેપ્ટન ઈચ્છતું હોય તો તેના માટે રોહિત જ શ્રેષ્ઠ છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ઈચ્છતું હોય કે ત્રણેય ફોર્મેટમાં એક જ કેપ્ટન રાખવો જોઈએ તો મને લાગે છે કે રોહિત શર્મા સિવાય અત્યારે બીજો કોઈ ખેલાડી નથી.

આ વર્ષના અંતમાં ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપ પહેલાં ભારતે અનેક પ્રયોગ કર્યા પરંતુ સહેવાગનું કહેવું છે કે બેટરોમાં ટોચના ત્રણ ખેલાડી તરીકે તેની પસંદ રોહિત શર્મા, ઈશાન કિશન અને કે.એલ.રાહુલ છે. અત્યારે વિરાટ કોહલી ત્રીજા નંબરે બેટિંગ કરે છે.

સહેવાગે આગળ કહ્યું કે ભારત પાસે ટી-20માં અનેક આક્રમક બેટર છે પરંતુ ટોચના ત્રણ ક્રમે રોહિત, ઈશાન અને રાહુલને જ હું જોઈ રહ્યો છું. રોહિત અને ઈશાન ડાબોડી અને જમોણી હોવાથી તે વર્લ્ડકપમાં શ્રેષ્ઠ જોડી સાબિત થઈ શકે છે. સહેવાગે ફાસ્ટ બોલર ઉમરાન મલિકના વખાણ કરતાં કહ્યું કે તે પણ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી સાથે ભારતીય એટેકનો હિસ્સો બની શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement