નવીદિલ્હી, તા.28
વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ અત્યંત વ્યસ્ત રહેવાનો છે. ટી-20 વર્લ્ડકપ પહેલાં ટીમ ઈન્ડિયા અનેક દેશોનો પ્રવાસ કરશે. બીજી બાજુ વર્લ્ડકપ પછી પણ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ માટે ઉડાન ભરશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટે પોતાના ઘરેલું કાર્યક્રમનું એલાન કર્યું છે જેમાં ભારત વિરુદ્ધ મર્યાદિત ઓવરની શ્રેણી પણ સામેલ છે. ભારતના ન્યુઝીલેન્ડ પ્રવાસની શરૂઆત 18 નવેમ્બરથી થશે જ્યારે અંતિમ મુકાબલો 30 નવેમ્બરે રમાશે. ન્યુઝીલેન્ડ પ્રવાસે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની ટી-20 શ્રેણી સાથે જ ત્રણ મેચની વન-ડે શ્રેણી પણ રમવાની છે.
ટી-20 વર્લ્ડકપની તૈયારીઓ માટે ન્યુઝીલેન્ડે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે ત્રિકોણીય શ્રેણીનું આયોજન કરવાનો પણ નિર્ણય લીધો છે. ઘણા સમય બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રિકોણીય શ્રેણીનું આયોજન થશે. આ શ્રેણીની શરૂઆત 7 ઑક્ટોબરથી થશે જ્યારે ફાઈનલ 14 ઑક્ટોબરે રમાશે.
ભારત વિરુદ્ધ નવેમ્બરમાં મર્યાદિત ઓવરની શ્રેણી રમ્યા બાદ ન્યુઝીલેન્ડની ટીમ ઘરમાં સીધી 2023ના ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. ત્યારબાદ તે શ્રીલંકા ટીમની પણ મેજબાની કરશે.