રૂપિયો ફરી 78.68ના તળીયે: ક્રુડમાં તેજી

28 June 2022 03:06 PM
Business India World
  • રૂપિયો ફરી 78.68ના તળીયે: ક્રુડમાં તેજી

વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રુડનો ભાવ 116 ડોલરને વટાવી ગયો: સંયુક્ત આરબ અમીરાતના ઉર્જા મંત્રીના વિધાન બાદ તેજી: કરન્સી માર્કેટમાં પણ રૂપિયામાં દબાણ

નવી દિલ્હી તા.28
કરન્સી માર્કેટમાં અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ફરી એક વખત ધડામ થયો છે અને 78.68ના નવા તળીયે ધસી પડયો હતો. ક્રુડ સહિતની કોમોડીટીના ભાવવધારાથી રૂપિયાને પણ અસર થઈ હતી. કરન્સી માર્કેટમાં ભારતીય રૂપીયો શરુઆતમાં જ નીચો ખુલ્યો હતો. વિશ્વબજારમાં ક્રુડતેલ મોંઘુ થતા અને શેરબજારો નબળા પડયાના પ્રત્યાઘાત હેઠળ રૂપીયામાં પણ દબાણ આવી ગયું હતું.

આજે બપોરની સ્થિતિએ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 78.68 સાંપડયો હતો જે અત્યાર સુધીનું સૌથી નીચો ભાવ છે. રિઝર્વ બેન્કે તાજેતરમાં એવું જાહેર કર્યુ હતું કે ડોલર સામે રૂપિયામાં મોટો કડાકો નહી થવા દેવાય અને મોટી અફડાતફડીને પણ નિયંત્રીત કરવામાં આવશે. આ સંજોગોમાં ઘટતા રૂપીયાને રોકવા માટે રિઝર્વ બેન્ક માર્કેટમાં દરમ્યાનગીરી કરે તેવી શકયતાનો ઈન્કાર થતો નથી. છેલ્લા કેટલાક વખતથી રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. રિઝર્વ બેન્ક પણ વખતોવખત ડોલર વહેચીને રૂપીયાને ઘટતો બચાવી રહી છે.

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વિવિધ ઘટનાક્રમોને ધ્યાનમાં લેવામાં આવે તો ડોલર સામે રૂપિયો હજુ નીચે જઈ શકે છે. વિશ્વના અન્ય દેશોની કરન્સી જેટલો ઘટાડો ભારતીય કરન્સીમાં આવ્યો ન હોવા છતાં હજુ જોખમ ઉભુ જ છે. બીજી તરફ ક્રુડતેલમાં પણ આજે ફરી વખત ઉછાળો નોંધાયો હતો અને વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રુડનો ભાવ 116 ડોલરને પાર થઈ ગયો હતો.

સંયુક્ત આરબ અમીરાતના ઉર્જામંત્રીએ ક્રુડનું ઉત્પાદન મહતમ ક્ષમતાથી થઈ રહ્યું હોવાનું જાહેર કરતા ભાવમાં તેજી થઈ છે. કારણ કે આ વિધાનનો અર્થ એવો કાઢવામાં આવે છે કે સપ્લાય વધારવા માટે અખાતના રાષ્ટ્રો ઉત્પાદન નહી વધારે. ક્રુડની તેજી અને કરન્સી માર્કેટની નબળાઈને પગલે સોના-ચાંદીના ભાવો પણ ઉછળ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement