ન્યૂયોર્ક,તા. 28 : અમેરિકાના મિસુરીમાં ભયાનક રેલ અકસ્માતમાં અનેક લોકોના મોત નિપજ્યા હોવાની અને 50થી વધુ લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે.ટ્રક સાથેની ટક્કર બાદ ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે અમેરિકાના મિસુરીમાં 243 પ્રવાસીઓ તથા 12 ક્રુ મેમ્બર સાથેની ટ્રેન પસાર થઇ રહી હતી ત્યારે એક ડમ્પ ટ્રક સાથે ટકરાઈ પડી હતી.
જેને પગલે ટ્રેન પાટા પરથી ઉથલી ગઇ હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત નિપજ્યા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટનાની જાણ થતાની સાથે જ રાહત અને બચાવ ટીમોને દોડાવવામાં આવી હતી. રાહત બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસિપટલમાં ખસેડવામાં આવ્યા છે.
દુર્ઘટનાગ્રસ્ત ટ્રેન લોસ એન્જલ્સથી શિકાગો જઇ રહી હતી તે સમયે એક ડમ્પ ટ્રક સાથે ટક્કર થઇ હતી. ટ્રેનના આઠ ડબ્બા તથા બે એન્જીન પાટા પરથી ઉતરી ગયા હતા. એમ જણાવવામાં આવ્યું છે કે ટ્રેનમાં 243 પ્રવાસીઓ અને 12 ક્રુ મેમ્બર સવાર હતા. તમામ 12 ક્રૂ મેમ્બરો ઘાયલ થયા છે. મુસાફરોની બચાવ કામગીરી માટે ઇમરજન્સી કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે અને હેલ્પલાઇન નંબર શરુ કરવામાં આવ્યો છે.