ન્યુ દિલ્હી : ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે. ભારત અને વિશ્વની સૌથી મોટી લોકશાહીના તમામ રાજકારણીઓના ગૌરવપૂર્ણ ઇતિહાસ પર ઘણી ફિલ્મો બનાવવામાં આવી છે. હવે મંગળવારે ફિલ્મમેકર સંદીપ સિંહે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મ ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની બાયોપિક હશે. કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સે બેસ્ટ સેલિંગ બુક 3 ટાઈમ પ્રાઈમ મિનિસ્ટરના રાઈટ્સ ખરીદ્યા છે અને ફિલ્મની વાર્તા આ પુસ્તક પર આધારિત હોઈ શકે છે. આ ફિલ્મ સંદીપ સિંહ અને વિનોદ ભાનુશાલી દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરવામાં આવી છે.
ફિલ્મ નિર્માતા સંદીપ સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેર કરીને આ ફિલ્મની જાહેરાત કરી છે. અટલ બિહારી વાજપેયીજીની તસવીર સાથે ભાગવા રંગનું પોસ્ટર રીલિઝ કરાયું છે. આ સાથે સંદીપ સિંહે લખ્યું, શ્રી અટલ બિહારી વાજપેયીજી ભારતીય ઈતિહાસના મહાન નેતાઓમાંથી એક હતા, જેમણે પોતાના શબ્દોથી દુશ્મનોના દિલ જીતી લીધા હતા. જેમણે રાષ્ટ્રનું સકારાત્મક નેતૃત્વ કર્યું અને પ્રગતિશીલ ભારતની રૂપરેખા તૈયાર કરી.
આ સાથે નિર્માતાઓએ અટલ જીના પ્રખ્યાત કવિતાની કેટલીક પંક્તિઓ પણ શેર કરી અને લખ્યું કે, હું રહું કે ન રહું, આ દેશ રહેવો જોઈએ.
મળતી માહિતી મુજબ, મેકર્સ જલ્દી જ ફિલ્મના એક્ટર અને ડિરેક્ટરની જાહેરાત કરશે. આ ફિલ્મ આવતા વર્ષે 2023માં ફ્લોર પર આવી શકે છે, જે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીની 99મી જન્મજયંતિના અવસર પર રિલીઝ થશે. ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ અને લિજેન્ડ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, 'અટલ'નું નિર્માણ વિનોદ ભાનુશાલી, સંદીપ સિંહ, સેમ ખાન, કમલેશ ભાનુશાલી અને વિશાલ ગુરનાની દ્વારા કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, અટલ પહેલા સંદીપ સિંહે સ્વતંત્રતા સેનાની વીર સાવરકર પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરીને હેડલાઈન્સ બનાવી હતી. તાજેતરમાં જ ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો હતો, જેમાં અભિનેતા રણદીપ હુડ્ડા વીર સાવરકરના રૂપમાં જોવા મળ્યો હતો.