મુંબઈ, તા.28
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ છેલ્લો દાવ ખેલી રહ્યા હોય તેવી રીતે બળવાખોર ધારાસભ્યોને ભાવુક અપીલ કરી છે. ઠાકરેએ ધારાસભ્યોને અપીલ કરતાં કહ્યું કે હું એક પરિવારના વડા તરીકે કહું છું તમે લોકો આવો, આપણે આમને-સામને બેસીને ચર્ચા કરશું.
તમારામાંથી અનેક લોકો અમારા સંપર્કમાં છે અને હજું પણ તમારા દિલમાં શિવસેના છે. અમુક ધારાસભ્યોના પરિવારજનોએ પણ મારો સંપર્ક કર્યો છે અને પોતાની ભાવનાઓથી મને અવગત કર્યો છે. તમારો જે પણ મુદ્દો હશે તેનું આપણે સમાધાન કાઢી લેશું. બીજી બાજુ શિવસેનાના બાગી નેતા ઉદવ સામંતે કહ્યું કે હું ગૌહાટીથી આવ્યો છું કેમ કે હું એ લોકોના કાવતરાઓથી થાકી ગયો છું જે છેલ્લા ઘણા દિવસોથી શિવસેનાને કમજોર કરવાની કોશિશ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ સાંજે ફરી કેબિનેટની બેઠક બોલાવી છે.
તેઓ આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી સામેલ થશે. ભાજપ નેતા પ્રવીણ દરેકરે વળી મોટો દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિતિ અત્યંત અસ્થિર છે. મહાવિકાસ અઘાડી સરકાર લઘુમતિમાં મુકાઈ ગછે. સાથે જ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મહારાષ્ટ્ર સરકારને પત્ર લખીને સરકાર દ્વારા કરાયેલા પ્રસ્તાવો અને પરિપત્રોની સંપૂર્ણ જાણકારી આપવા કહ્યું છે.