‘આપ કા સ્વાગત હૈ’; ગુજરાતમાં ગામડે ગામડે પહોંચતી આમ આદમી પાર્ટી

28 June 2022 05:14 PM
Rajkot Politics
  • ‘આપ કા સ્વાગત હૈ’; ગુજરાતમાં ગામડે ગામડે પહોંચતી આમ આદમી પાર્ટી
  • ‘આપ કા સ્વાગત હૈ’; ગુજરાતમાં ગામડે ગામડે પહોંચતી આમ આદમી પાર્ટી
  • ‘આપ કા સ્વાગત હૈ’; ગુજરાતમાં ગામડે ગામડે પહોંચતી આમ આદમી પાર્ટી
  • ‘આપ કા સ્વાગત હૈ’; ગુજરાતમાં ગામડે ગામડે પહોંચતી આમ આદમી પાર્ટી

વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ કરતા ભાજપ ઉપર મોટુ ઝાડુ ફરી જવાની હવા : ઓટલા અને ખાટલા બેઠકોના ધમધમાટ : મહાનગરો કરતા તાલુકા, ગ્રામ્ય વિસ્તાર પર વધુ ધ્યાન

રાજકોટ, તા.28
ગુજરાત વિધાનસભાની વર્ષના અંતે આવી રહેલી ચૂંટણી પૂર્વે ભાજપ, કોંગ્રેસની લડાઇમાં આમ આદમી પાર્ટી મોટી જગ્યા બનાવી રહી હોવાનો માહોલ ઉભો થઇ રહ્યો છે. બહુ મોટા પ્રચાર-પ્રસાર વગર સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો પર વધુ ધ્યાન આપીને આપ નેતાઓ ખાટલા, ઓટલા પરિષદ કરવા લાગ્યા છે. જેમાં અરવિંદ કેજરીવાલ અને તેમની આરોગ્ય, શિક્ષણ સહિતની નીતિઓના નામે જાગૃત લોકો એકઠા પણ થઇ રહ્યા છે.

આટલા દાયકાઓ સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી લડાતી આવી છે. પરંતુ આ વર્ષે ત્રિપાંખીયો જંગ નકકી છે. તેમાં પણ કોંગ્રેસ કરતા કયાંક આમ આદમી પાર્ટી આગળ નીકળી જાય તેવી શકયતા નવા ચિત્ર પરથી દેખાઇ રહી છે. ગામડામાં જે રીતે આયોજનબધ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે તે જોતા સૌરાષ્ટ્રમાં ગત વખતે કોંગ્રેસને જે વધુ બેઠક મળી હતી તેનો લાભ ‘આપ’ લઇ જાય તેવું ગણિત ઘણા લોકોનું છે. ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરે તેના કરતા ભાજપને ફટકો પાડે તેવું લાગે છે.

રાજકોટ, અમદાવાદ સહિતના મહાનગરો કાયમ ભાજપ સાથે રહ્યા છે. આથી આપ મહાનગરો કરતા સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો, તાલુકા મથકો, આદિવાસી સહિતના પોકેટ પર ધ્યાન આપવા માંગે છે. દિલ્હીમાં જયારે આમ આદમી પાર્ટીની સરકાર આવી ત્યારે સૌ ચોંકયા હતા. બાદમાં પંજાબમાં સત્તા હાંસલ કરતા સૌએ ઝાડુને સ્વીકારવું પડયું હતું.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી સત્તા પર ન આવે તો પણ કોંગ્રેસને નુકસાન કરશે તેવી વાત છે. પરંતુ હાલ ગામડામાં જે રીતે પ્રચાર ચાલે છે તેમાં ત્રણેય પક્ષમાં ‘આપ’ આગળ હોવાનું લાગે છે. કારણ કે ગામેગામ ઓટલા અને ખાટલા પરિષદ, જૂથ બેઠકો નિયમિત થાય છે. ગામેગામ પાર્ટીના કાર્યકર વધી રહ્યા છે. કેજરીવાલ અને દિલ્હી-પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારની વાતોમાં લોકોને રસ પડી રહ્યો છે. ગુજરાતના લોકો પણ કોરોના અને કાળઝાળ મોંઘવારીમાં નીચોવાઇ ગયા છે. આથી સરકારની મદદની જરૂર લાગી રહી છે. આ જરૂરીયાત પૂરી પાડવા આમ આદમી પાર્ટી તૈયાર હોવાનો દાવો કરે છે.

કોંગ્રેસ 25 વર્ષથી ઉભી થઇ શકતી નથી. હવે આપના રૂપમાં પ્રજા પાસે મજબુત વિકલ્પ છે. તેના કારણો દિલ્હી અને પંજાબમાં દેખાઇ રહ્યા છે. ભાજપ ભલે સંઘ મારફત ગ્રાઉન્ડ લેવલે પૂરા પ્રચાર કરે પરંતુ મોંઘા શિક્ષણ, પેટ્રોલ-ડિઝલના ભાવ, બેરોજગારી વગેરે મુદ્દા સરકાર સામે જ છે. રાજકોટ જેવા શહેરમાં તો ‘ઇ-મેમો’ પણ લોકો ઉપર બોમ્બની જેમ પડયા છે. આ તમામ મુદ્દાનો લાભ વિપક્ષને મળે તેમ છે. આમ આદમી પાર્ટી વચનો પણ પુરા કરે છે. દિલ્હીમાં ર00 યુનિટ વિજળી ફ્રી કરી છે. આ વાત લોકોને પસંદ પડી છે તે હકીકત છે.


Related News

Loading...
Advertisement
Advertisement