રથયાત્રાનું મેગા રિહર્સલ : ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા

28 June 2022 05:21 PM
Ahmedabad Gujarat
  • રથયાત્રાનું મેગા રિહર્સલ : ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા
  • રથયાત્રાનું મેગા રિહર્સલ : ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા
  • રથયાત્રાનું મેગા રિહર્સલ : ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા

* 25000 પોલીસ જવાનો દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ : સજ્જડ બંદોબસ્ત

અમદાવાદ, તા.28
આજે અમદાવાદમાં રથ યાત્રા પૂર્વે પોલીસ દ્વારા મેગા રિહર્સલ હાથ ધરાયુ હતું. 25000 પોલીસ જવાનો આરએએફ, સીઆરપીએફ, ક્રાઈમ બ્રાંચ સહિતની ટિમો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાત્સવ અને જેસીપી અજય ચૌધરી સહિતના અધિકારીઓ જગન્નાથ મંદિરથી રથયાત્રા નીકળવાના સમયથી જ રીહર્સલ કર્યું હતું. આ રિહર્સલમાં પોલીસની 40 ગાડીઓનો કાફલો જગન્નાથ મંદિરથી ભગવાનના મોસાળ સરસપુર ખાતે પહોંચ્યો હતો. પોલીસ કમિશ્નરે અધિકારીઓ સાથે ચર્ચા કરીને કહ્યુ હતું કે, બંદોબસ્તના કારણે કોઈ સામાન્ય નાગરીક હેરાન ન થાય.

* રિહર્સલમાં પોલીસની 40 ગાડીઓનો કાફલો જગન્નાથ મંદિરથી ભગવાનના મોસાળ સરસપુર ખાતે પહોંચ્યો

સરસપુર ખાતે પણ ભગવાન જગન્નાથજીના મામેરાનું રિહર્સલ થયું હતું. જેમાં ભગવાનના ત્રણ રથ સરસપુર ચાર રસ્તા ખાતે આવતા મંદિરથી ભગવાનનું મામેરું આવ્યું હતું. આ મામેરામાં પોલીસ જ મામા બની હતી અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મામેરું લઈને આવી હતી. ત્યાર બાદ રથ મોસાળથી નીકળવા રવાના થયા હતા. આગામી શુક્રવારે રથયાત્રા જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરશે. આ વર્ષે સુરક્ષાના વિવિધ પાસાઓ પર માઈક્રોપ્લાનિંગ સાથે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથજીની નગરચર્યાના બંદોબસ્તમાં આ વર્ષે 25,000 જેટલા વિવિધ રેન્કના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહેશે. ઉપરાંત દર વર્ષથી વિશેષ આકાશી અને જમીની એમ બંને સ્તરે ટેક્નોલોજીના માધ્યમથી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

* અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાત્સવ અને જેસીપી અજય ચૌધરી સહિતના અધિકારીઓ હાજર રહ્યા : સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

જેમાં હેલિકોપ્ટર તેમજ ડ્રોનથી આકાશમાં અભેદ્ય સુરક્ષા ગોઠવવામાં આવી છે.અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145 મી રથયાત્રાની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને મંદિર પ્રશાસન અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. રથયાત્રા દરમિયાન 25,000થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગૃહમંત્રી રિહર્સલમાં પણ હાજર રહ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રથયાત્રામાં 25 હજાર પોલીસ સહિત એસઆરપી અને સીઆરપીએફની 68 કંપનીનો બંદોબસ્ત રહેશે. ઉપરાંત 8 ડીજી-આઈજી, 30 એસપી, 35 એસીપી પણ તૈનાત રાખવામાં આવ્યા છે.

સમગ્ર અમદાવાદ શહેરને નો-ડ્રોન ફ્લાય ઝોન રથયાત્રાના દિવસે ડ્રોન ઉડાવવા ઉપર પ્રતિબંધ
અમદાવાદ:28 : અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાને લઈ ભારે સુરક્ષા વ્યવસ્થા છે. રથયાત્રાના રૂટ પર ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, શહેરકોટડા, માધુપુરા, દરિયાપુર, શાહપુર, કારંજ પોલીસ સ્ટેશન અને ઘાટલોડિયા, નારણપુરા, સોલા, વસ્ત્રાપુર, આનંદનગર, સેટેલાઈટ, નિકોલ, ઓઢવ અને સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ મિની રથયાત્રા નીકળે છે. રથયાત્રા પર આતંકવાદી હુમલાની દહેશતને પગલે રથયાત્રાના દિવસે અમદાવાદમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લદાયો છે. 1 જુલાઈએ સવારે 4 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી સમગ્ર અમદાવાદ શહેરને નો-ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.


તમામ રથયાત્રાનું સ્ટેટ કંટ્રોલ રૂમમાંથી લાઈવ મોનિટરિંગ

રાજ્યમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા ઉપરાંત અલગ અલગ જિલ્લા શહેરોમાં 180 જગ્યાઓ પર રથયાત્રા નીકળવાની છે. તમામ સ્થળે શાંતિપૂર્ણ રીતે રથયાત્રા યોજાય તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. પોલીસ વડા આશિષ ભાટીયાએ અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રથયાત્રાના બંદોબસ્તની સમીક્ષા કરીને પોલીસવડાએ જરૂરી સૂચનાઓ આપી હતી. પોલીસવડા આશિષ ભાટીયાએ અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, આઈબીના વડા તથા શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. રથયાત્રામાં રાખવાની તકેદારી અંગે પણ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ વર્ષે રાજ્યમાં 180 રથયાત્રા યોજાશે. જેમાં સૌથી મોટી રથયાત્રા અમદાવાદની રહેશે જેમાં 10 લાખ લોકો ભાગ લેશે અને 19 કિમીનો રૂટ રહેશે. રાજ્યની તમામ રથયાત્રાનું ગાંધીનગરમાં ત્રિનેત્ર કંટ્રોલ રૂમમાંથી લાઈવ મોનિટરિંગ કરાશે.


Related News

Loading...
Advertisement
Advertisement