(તસવીર - અહેવાલ : વિપુલ હિરાણી) ભાવનગર તા.28
ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં છુટો-છવાયો વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં ૨૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો જોકે વરસાદનું એકમાત્ર ઝાપટું જ વરસી ગયું હતું. વરસાદી માહોલ બંધાય છે પરંતુ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી.
ભાવનગરના બગદાણા પંથકમાં બપોરે ધોધમાર વરસાદ પડ્યો હતો .ધરાઈ, કલમોદર વિગેરે ગામ બાજુ વરસાદ આવતા મહુવા તળાજા વચ્ચે આવતા મોટી જાગધાર ગામે બગડ નદી બે કાંઠે વહેતી થઈ. ગ્રામ્ય પંથકમાં મેઘમહેરથી ધરતી પુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.
ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં આજે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે જેસર અને તળાજામાં હળવા-ભારે ઝાપટા વરસી ગયા હતા.
ભાવનગર જિલ્લામાં આજે સવારના 6 થી સાંજના ૬ દરમિયાન તળાજામાં 5 મી.મી., જેસરમાં 8મી.મી. ,ગારિયાધારમાં 12મી.મી. અને ભાવનગર શહેરમાં 1.6 મી.મી .વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 34.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.1 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા અને પવનની ઝડપ 22 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.