રાજકોટ, તા.28
ગોંડલ યાર્ડની એક પેઢીમાં ચાલતા જુગારના અખાડા ઉપર LCBએ દરોડો પાડી રૂ.9.74 લાખની રોકડ સાથે વેપારી સહિત પાંચ શખ્સોને દબોચી લીધા હતા. માર્કેટીંગ યાર્ડમાં વૈભવ કોટન નામની પેઢી ધરાવતો વિજય વોરા પોતાની દુકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો. રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઇ વી.વી. ઓડેદરા, પીએસઆઇની ટીમે કાર્યવાહી કરી ગુનો નોંધ્યો છે.
દરોડાની વિગત મુજબ રાજકોટ રેન્જ આઇ.જી.પી. સંદીપ સિંહ, રાજકોટ જિલ્લાના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડએ જુગારની પ્રવૃતિઓ પર વોચ રાખી સફળ રેઇડો કરવા સૂચના આપી હોય રાજકોટ રૂરલ એલ.સી.બી. પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.જે.રાણા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની, અનિલભાઈ ગુજરાતી, શક્તિસિંહ જાડેજા, રૂપકભાઇ બોહરા, કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, રહીમભાઇ દલ, પ્રકાશભાઇ પરમાર, ભાવેશભાઇ મકવાણા, ઘનશ્યામસિંહ જાડેજા, એ.એસ.આઇ. અમુભાઇ વીરડા, કોન્સ્ટેબલ સાહીલભાઇ ખોખર વિગેરે સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ખાનગી રાહે બાતમી આધારે ગોંડલ નવા માર્કેટીંગ યાર્ડમાં આવેલ વૈભવ કોટન નામની દુકાનના માલિક વિજય ભીખા વોરા બહારથી માણસો બોલાવી તેને પાણી લાઇટ તથા જુગારને લગતી તમામ સવલતો પુરી પાડી નાલ ઉઘરાવી ગંજીપાનાના પતા વડે નશીબ આધારીત હારજીતનો જુગાર રમાડતો હોય, દરોડો પાડી તેના સહિત પાંચ આરોપીઓને રૂ.9,74,000ની રોકડ, પાંચ મોબાઇલ ફોન મળી રૂ.10,19,500 ના મુદ્દામાલ સાથે દબોચી લેવાયા હતા.
તમામ આરોપી ગોંડલના રહેવાસી છે. જેમાં, વિજય ભીખા વોરા (રહે.માલવીયાનગર જેતપુર રોડ), ગીરીશ દામજી ગોંડલીયા (રહે.ગુંદાળા ફાટક), શૈલેષ વલ્લભ વાછાણી (રહે.ગુંદાળા રોડ), વિપુલ વિઠ્ઠલ વીસાવેલીયા (રહે.ગુંદાળા રોડ) અને શૈલેષ મનજી રૂપારેલીયા (રહે.ગુંદાળા ફાટક)નો સમાવેશ થાય છે. આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી એલસીબીની ટીમે કાયદેસર કાર્યવાહી કરી છે.