અષાઢના પ્રારંભ પૂર્વે સર્વત્ર મેઘસવારીનો ઇંતેજાર : બગદાણામાં ચમત્કાર!

29 June 2022 11:17 AM
Rajkot Gujarat Saurashtra
  • અષાઢના પ્રારંભ પૂર્વે સર્વત્ર મેઘસવારીનો ઇંતેજાર : બગદાણામાં ચમત્કાર!
  • અષાઢના પ્રારંભ પૂર્વે સર્વત્ર મેઘસવારીનો ઇંતેજાર : બગદાણામાં ચમત્કાર!

ધરતીપુત્રો ચિંતામાં : વાવણી અટકી ગઇ : ઘેરાયેલું આકાશ વરસતું નથી

ધર્મસ્થાન વિસ્તારમાં 7 ઇંચ વરસાદ વરસતા બગડ ડેમ ઓવરફલો : નદીમાં ઘોડાપુર : અન્યત્ર હળવા ઝાપટા વચ્ચે ભારે બફારો

રાજકોટ, તા.29
આવતીકાલથી અષાઢ મહિનો શરૂ થઇ રહ્યો છે ત્યારે મેઘરાજા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કયાંય વરસતા ન હોય ચિંતા વધી છે. ખેડૂતે વાવણી આગળ વધારી શકતા નથી. તેવામાં ગઇકાલે ભાવનગર જિલ્લાના બગદાણા પંથકમાં 7 ઇંચ વરસાદ ખાબકતા અને પ્રથમ વરસાદે જ બગડ ડેમ છલકાતા ટાઢક થઇ છે. સૌરાષ્ટ્રમાં ગાઢ વરસાદી માહોલ છે. તેમાં અમુક વિસ્તારમાં છુટા ઝાપટા સિવાય સર્વત્ર મેઘસ્વારીનો ઇંતેઝાર છે. દરમ્યાન સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગઇકાલે ઝાપટાથી માંડી માત્ર ર ઇંચ વરસાદ અમુક સ્થળોએ પડયો હતો.

જેમાં વાપીમાં 2, ભરૂચમાં 0॥, વલસાડનાં પાટડીમાં 0॥, ભાવનગરનાં ગારીયાધારમાં 0॥ તથા તળાજા અને જેસરમાં પણ 0॥ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.ભાવનગર જિલ્લાના બગદાણા પંથકમાં ગઈકાલે બપોરે મુશળધાર વરસાદ તૂટી પડયો હતો. 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા બગડ નદી બે કાંઠે વહેતી થઈ હતી અને પહેલા જ વરસાદે બગડ ડેમ ઓવરફ્લો થતાં આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા . ભાવનગરના બગદાણા ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માં ગઈકાલે બપોરે ધોધમાર વરસાદ પડ્યો હતો .

બગદાણા, ધરાઈ, કલમોદર વિગેરે ગામ બાજુ સાંબેલા ધારે વરસાદ તૂટી પડયો હતો અને 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદ થી મહુવા તળાજા વચ્ચે આવતા મોટી જાગધાર ગામે બગડ નદી બે કાંઠે વહેતી થઈ. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો .ગ્રામ્ય પંથકમાં મેઘમહેરથી ધરતી પુત્રો માં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. બગદાણામાં પહેલાં જ વરસાદ થી બગડ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર અને તળાજામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જેસર માં હળવા-ભારે ઝાપટા વરસી ગયા હતા.

ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા મુજબ તળાજામાં 10 મી.મી., જેસરમાં 9મી.મી., ગારિયાધારમાં 12મી.મી. અને ભાવનગર શહેરમાં 1.6 મી.મી .વરસાદ નોંધાયો છે.
વરસાદને લીધે બગદાણામાં વહેતી બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. બગદાણામાં ચોતરફ પાણી વહેતા થઇ ગયા હતા . રસ્તાઓ અને શેરીઓમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ ગયા હતા. બગદાણા ઉપરાંત તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો કરમદીયા, માતલપર, બેડા, મોણપર, નવાગામ (રતનપર ), ટીટોડીયા, ધરાઇ, રાળગોન, બોરલા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી ગયો હતો.

તેમજ હાલ ડેમ છલકાઈ જતાં ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા 0.15 મી.મી. ઓવરફલો થયો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવેલ છે . આમ જિલ્લાના મુખ્ય જળાશયો પૈકી એક એવો બગડ ડેમ આ ચોમાસાના પ્રથમ તબક્કાના વરસાદમાં ઓવરફ્લો થયો છે . બગડ ઓવરફ્લો થતા મહુવાના મોટી જાગધાર, નાની જાગધાર, લીલવણ તેમજ તળાજાના ખારડી, પાદરગઢ, બોરડી , દાઠા અને વાલર ગામને અસર થવાની શકયતા હોય પાણીના પ્રવાહમાં અવર જવર ઉપર ગઈકાલે સાંજે પ્રતિબંધ મુકાયો હતો.

ખંભાળીયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સપ્તાહ પૂર્વે થયેલા નોંધપાત્ર વરસાદ બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે. ખંભાળિયા તાલુકામાં ગરમી ભર્યા માહોલ વચ્ચે આજે સવારે ઘટાટોપ વરસાદી વાતાવરણ છવાયું હતું અને સવારે નવેક વાગ્યે વરસાદનું જોરદાર ઝાપટું વરસી જતા માર્ગોપર પાણી ચાલી નીકળ્યા હતા. જોકે માત્ર દસેક મિનિટ વરસ્યા બાદ વરસાદ બંધ થઇ ગયો હતો અને પુન: વરાપ નીકળ્યો હતો.

ખંભાળિયા શહેરમાં સામાન્ય વરસાદના પગલે અનેક રસ્તા ઉપર ખાડાનું સામ્રાજ્ય છવાઈ જતા ખાસ કરીને વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાઈ રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ સુધી સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 90 મી.મી., ભાણવડ તાલુકામાં 32 મી.મી., દ્વારકા તાલુકામાં 6 અને કલ્યાણપુર તાલુકામાં 4 મી.મી. સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ચાર ટકા નોંધાયો છે. જિલ્લામાં ચોમાસાની ઋતુનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે અને ખાસ કરીને ધરતીપુત્રો તથા જિલ્લાની જનતા મુશળધાર વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement