હવે સુરતના યુવાનને સર કલમ કરવાની ધમકી

01 July 2022 11:39 AM
Surat Crime Gujarat
  • હવે સુરતના યુવાનને સર કલમ કરવાની ધમકી

* સુરતમાં ઉદયપુરવાળી થાય તે પહેલા પોલીસે સતર્ક રહેવું જરૂરી

* સુરતના યુવાને ઉદયપુરના દરજીની ક્રુર હત્યાને વખોડતા ચોકકસ સમુદાયના લોકોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને પોલીસમાં એફઆઈઆર નોંધાવી પરિવારની સુરક્ષા માટે માંગણી કરી

સુરત તા.1
ધર્માંધ ગુનાખોર તત્વો તેમની માનસિકતા છોડવા ન માંગતા હોય તેમ હવે સુરતમાં એક વ્યક્તિને માથુ કાપી નાખવાની ધમકી મળી છે. આ યુવાને ઉદયપુરમાં દરજી યુવાન કન્હૈયાલાલની હત્યાને વખોડતી પોસ્ટ લખતા તેને આ ધમકી મળી હતી.

સુરતના યુવરાજ પોખરાના નામના યુવકને આ ધમકી મળતા તેણે પોલીસનો સંપર્ક કર્યો છે અને એફઆઈઆર નોંધાવી છે. પોખરાનાએ જણાવ્યું હતું કે તેમના પુર્વજ ઉદયપુરમાં રહેનારા છે અને તેઓ દરજીની હત્યાથી વ્યથીત છે. પોખરાણાએ જણાવ્યું હતું કે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક કોમેન્ટ કરી હતી, ત્યારબાદ તેને સોશ્યલ મીડીયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની માથુ કાપી નાખવાની ધમકી અપાઈ હતી.

પોખરાણાએ જણાવ્યું હતું કે તેણે આ મામલે સુરત પોલીસનો સંપર્ક કરીને એફઆઈઆર નોંધાવી છે અને પોતાના પરિવાર માટે સુરક્ષાની માંગણી કરી છે. પોખરાણાએ જણાવ્યું હતું કે મેં એક કોમેન્ટ લખી હતી કે એક સમુદાયના ખાસ લોકો દ્વારા કન્હૈયાલાલની ક્રુરતાથી હત્યા કરી દેવામાં આવી. આથી તે સમુદાયના કેટલાક લોકો નારાજ થઈ ગયા હતા અને મને જીવથી મારી નાખવાની ધમકી મળવી શરૂ થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે ગત સોમવારે ઉદયપુરમાં ગ્રાહકના સ્વાંગમાં ધર્માંધ તત્વોએ દુકાનમાં ઘુસી દરજી યુવાનના ક્રુરતાથી હત્યા કરી હતી. દરજી યુવાનની જેમ જ સુરતના યુવાનને માથુ કાપી નાખવાની ધમકી મળતા ગુજરાતમાં ઉદયપુર જેવો હત્યા કાંડ ન સર્જાય તે માટે પોલીસે ખૂબ એલર્ટ રહેવું પડશે.


Related News

Loading...
Advertisement
Advertisement