બૂમરાહે રચ્યો ઈતિહાસ: ટેસ્ટ ક્રિકેટમાં ટીમની કમાન સંભાળનારો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો

01 July 2022 12:21 PM
Sports
  • બૂમરાહે રચ્યો ઈતિહાસ: ટેસ્ટ ક્રિકેટમાં ટીમની કમાન સંભાળનારો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો

કપિલ દેવ બાદ બૂમરાહ : 5 વર્ષ બાદ ટેસ્ટમાં ભારતનો કેપ્ટન એક ફાસ્ટ બોલર બન્યો : ઑલરાઉન્ડર કપિલ દેવ 1987 સુધી ટીમ ઈન્ડિયાના હતા કેપ્ટન

બૂમરાહ પહેલાં કપિલ દેવ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે પરંતુ તેઓ ઑલરાઉન્ડર હતા: કુંબલેને પણ સોંપાઈ ચૂકી છે જવાબદારી, તે સ્પીનર હતા: માત્ર બોલર તરીકે ટીમ સંભાળનારો બૂમરાહ પ્રથમ કેપ્ટન

નવીદિલ્હી, તા.1 : ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને આજથી શરૂ થયેલી ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી છે. જ્યારે ઋષભ પંત વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળશે. બુમરાહને રોહિત શર્માના કોરોના સંક્રમિત થયા બાદ ટીમની કમાન સોંપાઈ છે. તેને આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં ટીમનો વાઈસ કેપ્ટન બનાવાયો હતો. બુમરાહ કપિલ દેવ બાદ પાછલા 35 વર્ષમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરનારો બીજો ફાસ્ટ બોલર છે.

માર્ચ 1987માં કપિયલ દેવ બાદ કોઈ પણ ફાસ્ટ બોલરે ટેસ્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું નથી. જો કે કપિલ દેવ એક ઑલરાઉન્ડર હતા. આવામાં 90 વર્ષના ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં બુમરાહ કે જે માત્ર બોલર જ છે તે ટીમ ઈન્ડિયાની આગેવાની કરનારો પહેલો ખેલાડી છે. બીજી બાજુ આ વર્ષે ત્રણેય ફોર્મેટમાં મળીને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરનારો બુમરાહ આઠમો ક્રિકેટર છે. તેના પહેલાં એક વર્ષની અંદર વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, અજિંક્ય રહાણે, કે.એલ.રાહુલ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા કમાન સંભાળી ચૂક્યા છે અને હવે સુકાન બુમરાહને સોંપવામાં આવ્યું છે.

બુમરાહે અત્યાર સુધીમાં 29 ટેસ્ટ મેચમાં 123 વિકેટ મેળવી છે. પસંદગી સમિતિના પ્રમુખ ચેતન શર્મા પહેલાં જ કહી ચૂક્યા છે કે બુમરાહને ભવિષ્યનો કેપ્ટન ગણવામાં આવી રહ્યો છે. એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ટીમ ઈન્ડિયાની કમાન અનિલ કુંબલે પણ સંભાળી ચૂક્યા છે પરંતુ તેઓ એક સ્પીનર હતા.

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેનો મુકાબલો પાછલા વર્ષે આયોજિત થયેલી ટેસ્ટ શ્રેણીનો હિસ્સો હશે. 2021ના ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી હતી. ત્યારે પાંચમો મુકાબલો કોરોનાને કારણે આયોજિત થઈ શક્યો નહોતો. ચાર ટેસ્ટ સુધી ભારત 2-1થી આગળ હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાંચમી ટેસ્ટ પહેલાં રોહિતનો આરટી-પીસીઆર ટેસ્ટ ફરીવાર પોઝિટીવ આવ્યો છે. તે હજુ પણ આઈસોલેશનમાં છે. કે.એલ.રાહુલની ગેરહાજરીમાં બુમરાહને કેપ્ટન બનાવાયો છે. તે ટેસ્ટમાં ભારતની કેપ્ટનશિપ કરનારો 36મો ક્રિકેટર હશે.


Related News

Loading...
Advertisement
Advertisement