સૌરાષ્ટ્રમાં પણ મેઘસવારી : ખંભાળીયા પંથકમાં 1 થી 4 ઇંચ

01 July 2022 01:09 PM
Jamnagar Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં પણ મેઘસવારી : ખંભાળીયા પંથકમાં 1 થી 4 ઇંચ
  • સૌરાષ્ટ્રમાં પણ મેઘસવારી : ખંભાળીયા પંથકમાં 1 થી 4 ઇંચ
  • સૌરાષ્ટ્રમાં પણ મેઘસવારી : ખંભાળીયા પંથકમાં 1 થી 4 ઇંચ
  • સૌરાષ્ટ્રમાં પણ મેઘસવારી : ખંભાળીયા પંથકમાં 1 થી 4 ઇંચ

સુરેન્દ્રનગરનાં લખતરમાં 2, ચુડામાં 1॥ ઇંચ : ભાવનગરનાં મહુવા-પાલિતાણામાં સવા, અમરેલી શહેર અને ખાંભામાં 1 ઇંચ તથા મુંદ્રામાં 0॥ ઇંચ વરસાદ વરસ્યો

રાજકોટ, તા. 1
દક્ષિણ ગુજરાતની સાથોસાથ ગઇકાલે સૌરાષ્ટ્રમાં પણ 0॥ થી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દ્વારકાનાં જામખંભાળીયા શહેર અને તાલુકામાં 1 થી 9 ઇંચ, સુરેન્દ્રનગરનાં લખતરમાં ર, ચુડામાં 1॥, વઢવાણ અને સાયલામાં 0॥ ઇંચ તેમજ ભાવનગરનાં મહુવામાં 1। ઇંચ, પાલીતાણામાં પણ 1। ઇંચ, અમરેલી શહેરમાં 1, ખાંભામાં 1 જયારે કચ્છનાં મુંદ્રામાં 0॥ ઇંચ વરસાદ નોંધાયો હતો.

દરમ્યાન જામખંભાળીયાથી મળતા અહેવાલો મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ગુરુવારથી જાણે ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો હોય તેમ બપોર બાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં પોણા ચાર ઈંચ તેમજ જિલ્લાના અન્ય ગામોમાં પણ હળવો તથા ભારે વરસાદ નોંધાયો છે. ગઈકાલે ગુરુવારે ખંભાળિયા પંથકમાં સવારથી વરસાદી ડહોળ વચ્ચે બપોરે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેણે થોડીવારમાં ગતિ પકડી હતી.

ગઈકાલે બપોરે આશરે ત્રણેક વાગ્યે શરૂ થયેલો વરસાદ સાંજે સાત વાગ્યા સુધી ભારે ઝાપટા રૂપે વરસ્યો હતો અને આ ચારેક કલાકના સમય ગાળામાં કુલ પોણા ચાર ઈંચ (91 મીલીમીટર) વરસાદ વરસી ગયો હતો. આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 181 મિલીમીટર પડી ચૂક્યો છે. આ ભારે વરસાદના પગલે ખંભાળિયાના નગર ગેઈટ, પોર ગેઈટ, લુહારશાળ, પાંચ હાટડી ચોક વિગેરે વિસ્તારોમાં થોડો સમય પૂર જેવા પાણી વહી નીકળ્યા હતા. આ વરસાદના પગલે લોકોએ મન ભરીને નાહવાની તેમજ ભજીયા આરોગવાની મોજ માણી હતી.

આ નોંધપાત્ર વરસાદ વરસતા અત્રે સલાયા ગેઈટ પાસે આવેલા સુખનાથ મહાદેવના મંદિર પાસે ચાલી રહેલા માર્ગના કામમાં ડાયવર્ઝન વાળો રસ્તો ધોવાઈ જતા આ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા અને તેલી નદીમાં પુર આવતા આ માર્ગ થોડો સમય માટે બંધ થઈ ગયો હતો. આ માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરાવી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જ રીતે રામનાથ રોડ ઉપર પણ ભારે વરસાદી પાણી ભરાતા નગરપાલિકાના સેનિટેશન વિભાગને તાકીદે દોડવું પડ્યું હતું.

જામનગર તરફથી ખંભાળિયામાં પ્રવેશ માટેના હાઈ-વે માર્ગ પર ઓવરબ્રિજનું કામ હજુ અધુરુ હોવાના કારણે ગઈકાલે ભારે વરસાદના કારણથી બંને બાજુ પાણી ભરાઈ જતા અનેક વાહનો ફસાઈ ગયા હતા. આ ગંભીર મુદ્દે અહીંના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આ માર્ગ તાકીદે બને અને પુલ ચાલુ કરી દેવામાં આવે તેવી માંગ કરી છે. ગઈકાલે આ વરસાદની હેલી સમગ્ર જિલ્લામાં વરસી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન ભાણવડ પંથકમાં 36 મીલીમીટર, કલ્યાણપુર તાલુકામાં 29 અને દ્વારકા તાલુકામાં 17 મીલીમીટર વરસાદ વરસી ગયાનું નોંધાયું છે.

આ સાથે મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં 181 મી.મી., ભાણવડ તાલુકામાં 68 મી.મી., કલ્યાણપુર તાલુકામાં 33 અને દ્વારકા તાલુકામાં 23 મી.મી. નોંધાયો છે. જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 10 ટકા વરસી ચૂક્યો છે. જયારે ભાવનગર જિલ્લામાં મહુવા અને પાલીતાણામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં હજુ પણ મેઘરાજાની મહેર થઇ નથી. ગોહિલવાડ પંથકના પાલીતાણા મહુવા પંથકમાં વરસાદ પડ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં વરસાદી માહોલ છતાં વરસાદ નહીં પડતાં લોકો નિરાશ થયા છે.

ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન જેસરમાં 1 મી.મી., ગારિયાધારમાં 1 મી.મી. અને મહુવામાં 33 મી.મી . અને પાલીતાણામાં 30 મી.મી.વરસાદ નોંધાયો છે. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 35.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 65 ટકા અને પવનની ઝડપ 12 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી. અમરેલી શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી ભારે બફારો જોવા મળ્યો હતો. ત્યારે કયારેક કયારેક વરસાદના ઝાપટા પડી રહયા હોય, લોકો સારા વરસાદની રાહ જોઈ રહયા હતા ત્યારે ગઈકાલે બપોરના સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવી જતા ગાજવીજ સાથે અમરેલી શહેરમાં ધોધમાર સવા ઈંચ જેટલો વરસાદ પડી જતાં શહેરના રાજમાર્ગો ઉપર પાણી વહેતા થયા હતા. જયારે નિંચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા હતા.

તેમજ છેલ્લા પંદર દિવસથી અસહય ગરમી અને બફારાથી ત્રસ્ત ખાંભા તાલુકામાં સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ બપોરે 1 વાગ્યે ર6 મી.મી. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા ખેડૂતો અને નાગરિકોના હૈયે પણ ટાઢક વળી હતી. જયારે રાજુલા-જાફરાબાદ પંથકમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજુલા- જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડયો હતો. રાજુલાનાં ડુંગર, માંડળ, કુંભારીયા, સાજણાવાવ, રાભડા, વીકટર, દેવકા, જોલાપર, ખાંભલીયા, ઉટીયા, સહિત ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજુલા શહેરનાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા. બીજી તરફ જાફરાબાદના વઢેરા, બલાણા, કડીયાળી, મીતીયાળા સહિત ગામડાઓમાં વરસાદ પડયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement