ગુજરાતના 176 તાલુકામાં વરસાદ : સુરત જીલ્લામાં ધોધમાર

02 July 2022 12:01 PM
Rajkot Gujarat Top News
  • ગુજરાતના 176 તાલુકામાં વરસાદ : સુરત જીલ્લામાં ધોધમાર

ઉતર ગુજરાતમાં પણ મેઘસવારી : પાટણ-બનાસકાંઠામાં ભારે વરસાદ : સમગ્ર રાજ્યમાં હવે માત્ર બે તાલુકા જ ‘કોરા’

રાજકોટ,તા. 2
અષાઢ મહિનાના પ્રારંભ સાથે જ ગુજરાતમાં ચોમાસાની જમાવટ શરુ થઇ હોય તેમ વરસાદ વ્યાપક થયો છે. આજે સવારે પુરા થયેલા ચોવિસ કલાક દરમ્યાન 176 તાલુકાઓમાં સામાન્ય ઝાપટાથી માંડીને સાડા આઠ ઇંચ સુધીનો ભારે વરસાદ પડ્યો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનાં રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં સૌથી વધુ સાડા આઠ ઇંચ વરસાદ સુરત જિલ્લાનાં પલસાણામાં નોંધાયો હતો. સુરત શહેરમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદથી પાણી-પાણી થયું હતું. ઓલપાડમાં પાંચ ઇંચ, બારડોલી-ચોર્યાસીમાં પાંચ ઇંચ, મહુવા-માંડવી-માંગરોળમાં 3-3 ઇંચ વરસાદ થયો હતો.

નવસારી જીલ્લામાં બેથી છ ઇંચ સુધીનો સાર્વત્રિક વરસાદ હતો. ખેરગામમાં છ ઇંચ તથા નવસારી શહેરમાં ચાર ઇંચ મુખ્ય હતો. વલસાડમાં સાડા ચાર ઇંચ, પારડીમાં સવા ચાર ઇંચ, વાપીમાં ચાર ઇંચ સહિત વલસાડ જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ હતો. તાપી જીલ્લાના ડોલવાનમાં સાડા ચાર ઇંચ વરસાદ હતો. દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં હળવી-મધ્યમ મેઘસવારી હતી.

ઉતર ગુજરાતમાં પણ મેઘમહેર શરુ થઇ હોય તેમ બનાસકાંઠા તથા પાટણ પંથકમાં ધોધમાર વરસાદ હતો. દિયોદરમાં સાડા સાત ઇંચ, ડીસા-અમીરગઢમાં પાંચ-પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. બંને જીલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ હતો. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જીલ્લાઓમાં છુટાછવાયા ઝાપટાથી માંડીને બે ઇંચ વરસાદ પડ્યો હતો.

મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ધીમુ પડ્યું હતું. અને સામાન્ય ઝાપટાથી માંડીને માત્ર દોઢ ઇંચ વરસાદ થયો હતો. ગુજરાતમાં મોસમનો સરેરાશ કુલ વરસાદ 102.29 મીમી થયો છે જે 12.03 ટકા થવા જાય છે. હવે માત્ર બે તાલુકા વરસાદ વિનાના રહ્યા છે. 78 તાલુકાઓમાં બે ઇંચ સુધીનો વરસાદ થયો છે. જ્યારે 104 તાલુકામાં બેથી પાંચ ઇંચ તથા 48 તાલુકામાં પાંચથી 10 ઇંચ વરસાદ નોંધાયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement