રાજકોટ,તા. 2
ગઇકાલે અષાઢી બીજનું મુર્હુત સાચવી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘસવારી નિકળી હતી. બપોરથી ધોધમાર વરસાદ શરુ થઇ ચૂક્યો હતો. જેના કારણે જનજીવન પર મોટી અસર પડી હતી. ત્યારે ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના 211 ફીડર બંધ થયા હતા. જેમાંથી આજ સવાર સુધીમાં ટેકનિકલ ટીમો દ્વારા 106 ફીડરમાં વીજ પુરવઠો કાર્યરત કરી આપવામાં આવ્યો હતો. જ્યારે બાકી રહેતા 105 ફીડર શરુ કરવાની કામગીરી ચાલુ છે.
ભારે વરસાદને કારણે કુલ 54 ગામોને અસર થઇ હતી. 54 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વરસાદને સાથે ભારે પવનના કારણે વીજળી ગુલ થઇ ગઇ હતી. અને અંધારપટ્ટ છવાઇ ગયો હતો. સવાર સુધીમાં દરેક ગામોમાં વીજ પુરવઠો ફરી કાર્યરત કરવલા યુધ્ધના ધોરણે કામગીરી કરાય હતી. જેમાં સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા. રાજકોટ ગ્રામ્યના 45 ખેતી ફીડરો બંધ થયા તેમજ 45 પોલ ડેમેજ થયા હતા.
આ ઉપરાંત પોરબંદરના 8 ખેતી ફીડર, 3 વીજ પોલ, જુનાગઢ 33 ફીડર અને 11 વીજપોલ જામનગરમાં 9 ફીડર અને 19 વીજ પોલ, ભાવનગરના 10 ફીડર અને 85 વીજપોલ, બોટાદના બે વીજપોલ અને સુરેન્દ્રનગરનાં 36 વીજપોલ ડેમેજ થયા હતા. આમ કુલ 273 પોલ ડેમેજ હતા. જે આજ સવાર સુધીમાં 71 પોલ બદલી નાખવામાં આવેલ છે. બાકી રહેતા પોલની આસપાસ પાણી ભરાઈ જવાના કારણે જમીન પોચી પડી જવાથી તેને બદલવામાં વિલંબ થઇ રહ્યો છે.
ધોધમાર વરસાદના કારણે ભારે નુકશાન સર્જાયું હતું. પરંતુ ટેકનિકલ ટીમોની ઝડપી કામગીરીના કારણે તેને બદલવાની કામગીરી ઝડપી કરવામાં આવી હતી. આથી મોટાભાગના વિસ્તારોમાં વીજળી પાછી પહંચાડી દેવામાં આવી હતી.