1986માં પૂના ખાતે ઇન્ડીયા અન્ડર-15 ક્રિકેટ ટીમનો નેશનલ કેમ્પ યોજાયો હતો. પુરા દેશમાંથી 25 યુવા ક્રિકેટર્સને પસંદ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાંથી પણ બે ખેલાડી પસંદ થયેલા તેમાનો એક સહભાગી હું હતો. પુરા એક મહિના માટેના એ કેમ્પના કોચ હતા શ્રી ગુરૂચરણ સિંઘ. એ સમયે પણ એમની ઉંમર પચાસેક વર્ષની આસપાસ હતી. પૂનાના નેહરૂ સ્ટેડીયમના ગેસ્ટ હાઉસમાં પ રૂમમાં અમે રપ છોકરાઓનો સમાવેશ થઇ ગયો હતો. અમારામાંથી મોટા ભાગના ખેલાડીઓ કોચ શ્રી ગુરૂચરણ સિંઘને પ્રથમ વખત જ મળી રહ્યા હતા.
મને યાદ છે નેહરૂ સ્ટેડીયમની કેન્ટીનમાં સફેદ દાઢી, ઓછી ઉંચાઇ પણ મજબૂત ટટ્ટાર શરીર ધરાવતા એ કોચ અમને કેમ્પ શરૂ થવાના આગલા દિવસે મળ્યા હતા. ‘બચ્ચો, તુમ ઇન્ડીયા કે સબસે અચ્છે લડકે હો, ઇસ કેમ્પ મે હમ બહોત મહેનત કરેેંગે ઔર બહોત ક્રિકેટ ખેલેંગે’ ગુરૂચરણ સિંઘના એ શબ્દો આજે પણ મારા ઝહનમાં ગુંજી રહ્યા છે. કેમ્પના પ્રથમ દિવસે મેદાનમાં સવારે 6.00 વાગે રીપોર્ટ કર્યો ત્યારે તેઓ ત્યાં અમારી 5હેલા એક બોકસીંગના ટ્રેઇનર સાથે અમારી રાહ જોઇ રહ્યા હતા. ગુરૂચરણ સિંઘ પોતે એક ભૂતપૂર્વ રણજી ટ્રોફીના સફળ ક્રિકેટર તો હતા, નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ સ્પોર્ટસ-પતીયાલાના કવોલીફાઇડ ડિપ્લોમા હોલ્ડર કોચ પણ હતા.
સખત શિસ્ત, અથાક મહેનત તથા રમત પ્રત્યેનો પ્રેમ અને અભિગમ ગુરૂચરણ સિંઘનો મુળભુત પરીચય બની ગયો હતો. સવારની ટ્રેઇનીંગ, ફિલ્ડીંગ અને ટેકનીકનું સેશન અને બપોર પછી નેટ પ્રેકટીસ એવા રોજીંદા ટાઇમ ટેબલમાં કોઇ હળવાશ ન હતી. કેટલીય વખત તો સવારમાં મેદાનમાં પ રાઉન્ડ દોડતી વખતે હાથમાં સોટી લઇને તેઓ અમારી સાથે દોડતા. એબ્સ અને સ્ટ્રેન્થ ટ્રેઇનીંગમાં કોઇની મજાલ છે કે દીલચોરી કરે ? નેટ પ્રેકટીસમાં અડધો-પોણો કલાક બેટીંગમાં એક બોલ પણ જો જરા બેફીકરાઇથી રમાઇ જાય તો ચાલતા-ચાલતા પાસે આવે ને બોલે ‘બસ, થક ગયા કયા ?’
બે-ત્રણ દિવસની પ્રેકટીસમાં તો એમને પુરો ખ્યાલ આવી ગયો હતો કે કયા ખેલાડી ઉપર કયા ટેકનીકલ પાસા પર કામ કરવાનું છે. દાખલા તરીકે જે ખેલાડી બોલની અક્રોસ ધ લાઇન રમી જતો તેમના માટે ખાસ ડ્રીલ, જે બેટસમેન ઓફસ્ટમ્પની બહાર નબળો હોય તેના માટે અલગ ડ્રીલ અને એવી જ ચોકસાઇપૂર્વકની માવજત બોલર્સ માટે પણ. 30 દિવસના એ કેમ્પમાંથી નીકળ્યા પછી મારી જેમ દરેક ખેલાડી એક સાવ નવો જ વ્યકિત હતો, સૈનિક જેવી ખડતલ, માનસિક રીતે મજબુત અને ક્રિકેટ પ્રત્યે કમીટેડ. જે સંસ્કારોનું સિંચન એ મહિના દરમ્યાન થયું તે કેમ્પના દરેક ખેલાડીને ચોકકસ આજીવન લાભદાયક રહ્યું હશે.
આગળ જતા ગુરૂચરણ સિંઘ ભારતીય ટીમના પણ કોચ બન્યા. BCCI દ્વારા નિર્મિત ફાસ્ટ બોલીંગ એકેડેમીના હેડ બન્યા. તેમની નીચે તૈયાર થયેલા લગભગ 15 ખેલાડીઓ ભારતીય ટીમ માટે રમ્યા અને 200 ઉપરાંત ખેલાડીઓ રણજી ટ્રોફી રમ્યા. ભારત સરકાર દ્વારા કોચને અપાતુ સર્વોચ્ચ સમ્માન ‘દ્રોણાચાર્ય એવોર્ડ’ પણ ગુરૂચરણ સિંઘને એનાયત થયો છે. દુર્ભાગ્યે 1986 પછી હું કોઇ દિવસ ગુરૂચરણ સિંઘને મળી શકયો નથી.
પરંતુ હમણા સોશ્યલ મીડીયા દ્વારા એક કોમન ફ્રેન્ડ પાસેથી તેમનો નંબર મળ્યો. યોગ્ય સમય વિષે પૃછા કરી આદરણીય કોચને ફોન કર્યો, ઓળખાણ આપી તો તરત જ બોલ્યા ‘ભટ્ટ કા બચ્ચા...સૌરાષ્ટ્ર સે’ મારો તો અવાજ જ રૂંધાઇ ગયો. થોડી સ્વસ્થતા કેળવી પુછયુ ‘સર, આપ કહા હૈ?’ ત્યારે 87 વર્ષના ગુરૂચરણ સિંઘ બોલ્યા ‘મે તો આજ ભી મેદાન મે ખડા હું, બચ્ચો કો સીખા રહા હું’. આજીવન ક્રિકેટને સમર્પિત ગુરૂચરણ સિંઘ જેવા ગુરૂ-શિક્ષક અને કોચને લીધે ભારતીય ક્રિકેટ ઉજળુ છે. મારી જેવા દેશના ખૂણે-ખૂણે પડેલા તેમના વિદ્યાર્થીઓ-ખેલાડીઓએ જીવનમાં જે હાંસલ કર્યું છે તેનો ખરો શ્રેય આવા નિ:સ્વાર્થ-મહેનતકશ અને પ્રમાણિક કોચને જાય છે.
ગુરૂ દેવો ભવ:
ક્રિકેટ ક્લાસિકસ : પ્રકાશ ભટ્ટ