* દેરાસર નજીક પાર્ક કરાયેલા વાહનોમાં પણ તોડફોડ : દેરાસરની અંદર પ્રવેશી લુખ્ખાઓ દ્વારા બિરાજમાન હર્ષશીલસૂરીશ્ર્વરજી મહારાજ પર હુમલો કરવાનો પ્રયાસ
જામનગર તા.2
જામનગરની શાંતિ ડહોળવા આવારા લુખ્ખા તત્વોએ પ્રયાસ કર્યો હોય તેમ આજે વહેલી સવારે આણદાબાવા ચકલા નજીક શાંતિભુવન જૈન દેરાસરમાં તોડફોડ કરીને મહારાજ સાહેબ પર હુમલો કરતા ખળભળાટ બચી જવા પામ્યો છે. જૈન આગેવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ધસી ગયા હતા અને આતંક સર્જનારા તત્વોને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
જામનગરમાં આણંદાબાવા ચકલા વિસ્તારમાં તાલુકા સ્કુલ પાસે આવેલા શાંતિભુવન દેરાસરમાં આજે સવારે 6 થી 6:15 વાગ્યા દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો ઘુસ્યા હતા. આ આવારા તત્વોએ દેરાસર નજીક પાર્ક કરાયેલી ત્રણ કારમાં લાકડી કે ધોકા જેવી વસ્તુથી તોડફોડ કરી હતી અને ગાળોની રમઝટ વચ્ચે દેરાસરમાં પ્રવેશ કર્યો હતો. દેરાસરની અંદર રાખવામાં આવેલ પાણીના માટલા પણ આ લુખ્ખાઓએ તોડી નાખ્યા હતા. એટલુ જ નહીં દેરાસરમાં બિરાજમાન હર્ષશીલસુરીશ્ર્વરજી મહારાજ સાહેબને પણ ગાળો આપી હુમલો કર્યો હતો બાદમાં આ તત્વો નાશી છુટયા હતા.
આ ઘટના અંગેની જાણ થતા જૈન સમાજના અગ્રણીઓ ભરતભાઇ પટેલ, નવીનભાઇ ઝવેરી તથા આ વોર્ડના કોર્પોરેટર નિલેષભાઇ કગથરા સહિતના આગેવાનો દેરાસર દોડી ગયા હતા અને ઘટનાની વિગતો મેળવી હતી બાદમાં તુરંત જ પોલીસને જાણ કરવામાં આવતા ડીવાયએસપી ઝાલા, સીટી એ ડિવિઝનના પીઆઇ એમ.જે.જલુ, પીએસઆઇ મોઢવાડીયા, ચાવડા અને પોલીસ સ્ટાફનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસે દેરાસરની અંદર તપાસ કરી હતી અને મહારાજ સાહેબ તથા જૈન અગ્રણીઓ પાસેથી બનાવની વિગતો મેળવી હતી. આ ઉપરાંત પોલીસે તોડફોડ કરાયેલી કાર તેમજ દેરાસર અંદરની વસ્તુઓનું પણ નિરિક્ષણ કર્યુ હતું.
વિશાળ પોલીસ કાફલાએ જુદી-જુદી દિશામાં આરોપીઓની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી છે અને ટૂંક સમયમાં આરોપીઓ હાથ લાગી જાય તેમ જાણવા મળે છે. પોલીસે આરોપીઓને શોધવા માટે આ વિસ્તારના તથા દેરાસરના સી.સી. ટી.વી. ફૂટેઝ પણ ચેક કર્યા છે અને બાતમીદારોના નેટવર્કને પણ કામે લગાડયું છે. બે દિવસ પહેલા જ જામનગરમાં પોલીસે શાંતિ સમિતિઓની બેઠક યોજી હતી અને આજે સવારે આ અઘટીત ઘટના બનાવા પામી હતી.
આ જ દેરાસરમાં આજે વધુ એક મહારાજ સાહેબનો પ્રવેશ થવાનો હતો. ચાર્તુમાસ પ્રવેશનું પ્રોસેસન શરૂ થાય તે પહેલા વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે જૈન સમાજ સહિત સમગ્ર શહેરમાં આ ઘટના અંગે રોષની લાગણી જોવા મળી રહી છે. જૈન સમાજના અગ્રણીઓએ પોલીસની તાત્કાલિક શરૂ કરાયેલી સઘન કાર્યવાહીને બિરદાવી હતી. ખાસ કરીને જૈન સમાજના અગ્રણી અને આ વિસ્તારના ભાજપના કોર્પોરેટર નિલેષભાઇ કગથરાએ એસ.પી. પ્રેમસુખ ડેલુ સાથે પણ ટેલીફોનીક વાતચીત કરી હતી અને આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આ ઘટનાની જાણ થતા વોર્ડ.નં.9ના ભાજપના મહામંત્રી હિતેન્દ્ર ચોટાઇ (ચીનાભાઇ) પણ બનાવ સ્થળે દોડી ગયા હતા.
આ બનાવ અંગે પોલીસે કેટલાક લોકોના મૌખિક નિવેદન પણ જાણ્યા હતા અને આ ઘટનાને અંજામ આપનાર લુખ્ખા તત્વોને શોધવા જુદા-જુદા વિસ્તારમાં તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. જામનગરના અનેક દેરાસર અને ઉપાશ્રયમાં મહારાજશ્રીઓના ચાર્તુમાસ ચાલી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે શહેરની શાંતિ ડહોળાઇ નહી તે માટે પોલીસે કોમ્બીંગ પણ હાથ ધર્યુ હોવાનું જાણવા મળે છે.
જૈન સહિતના સમુદાયમાં ભારે રોષ : ટ્રસ્ટીઓ દોડી ગયા : આરોપીઓ પોલીસના સકંજામાં
શાંતિભુવન જૈન દેરાસરના ટ્રસ્ટી કૌષિક ઝવેરી દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાતી ફરિયાદ: આરોપીઓ આસાપાસના વિસ્તારના જ અને અમુક નશાની હાલતમાં હતા
જામનગરમાં જૈન દેરાસરમાં આજે વહેલી સવારે હંગામો મચાવી તોડફોડ કરનાર આવારા તત્વો પૈકી ચાર શખ્સોને પોલીસે નજીકના વિસ્તારમાંથી દબોચી લીધા હોવાનું જાણવા મળે છે. આ મામલે દેરાસરના ટ્રસ્ટી દ્વારા સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા થઇ રહી હોવાનું જાણવા મળે છે.
જામનગરમાં આણંદાબાવા ચકલા વિસ્તારમાં તાલુકા સ્કુલ પાસે આવેલા શાંતિભુવન દેરાસરમાં આજે સવારે 6 થી 6:15 વાગ્યા દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો ઘુસ્યા હતા. આ આવારા તત્વોએ દેરાસર નજીક પાર્ક કરાયેલી ત્રણ કારમાં લાકડી કે ધોકા જેવી વસ્તુથી તોડફોડ કરી હતી અને ગાળોની રમઝટ વચ્ચે દેરાસરમાં પ્રવેશ કર્યો હતો. દેરાસરની અંદર રાખવામાં આવેલ પાણીના માટલા પણ આ લુખ્ખાઓએ તોડી નાખ્યા હતા. એટલુ જ નહીં દેરાસરમાં બિરાજમાન હર્ષશીલસુરીશ્ર્વરજી મહારાજ સાહેબને પણ ગાળો આપી હુમલો કર્યો હતો બાદમાં આ તત્વો નાશી છુટયા હતા.
જામનગરના જે વિસ્તારમાં આ ઘટના બની છે તે વિસ્તારમાં જૈન સમાજના લોકોની મોટી વસ્તી છે. આ ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસ.પી. પ્રેમસુખ ડેલુની સૂચનાથી પોલીસે આદરેલી કવાયતમાં ત્રણ કલાકમાં જ આ ઘટનામાં સંડોવાયેલ ચાર લુખ્ખા તત્વોને પોલીસે નજીકના વિસ્તારમાંથી દબોચી લીધા હોવાનું જાણવા મળે છે. હજુ પણ બે શખ્સોની તપાસ ચાલી રહી છે.
આ બનાવ સંદર્ભે શાંતિભુવન જૈન દેરાસરના ટ્રસ્ટી કૌષિકભાઇ ઝવેરી અન્ય અગ્રણીઓની સાથે સીટી એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા જયાં પોલીસ દ્વારા તેમનું નિવેદન નોંધી અને તેને આધારે આ મામલે ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ કરી હતી. આ બનાવમાં સંડોવાયેલ આવારા તત્વો પૈકી બે થી ત્રણ જણા નશાની હાલતમાં હોવાનું પણ કહેવાય છે.