શિવસેનાના 12 સાંસદો બળવાખોર જૂથ સાથે જોડાઈ તેવા સંકેત : વિધાનસભા અધ્યક્ષ માટે પણ ચૂંટણી નિશ્ચિત

02 July 2022 02:27 PM
India Politics
  • શિવસેનાના 12 સાંસદો બળવાખોર જૂથ સાથે જોડાઈ તેવા સંકેત : વિધાનસભા અધ્યક્ષ માટે પણ ચૂંટણી નિશ્ચિત

મુંબઈ,તા. 2
મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણ સાથે નવી સરકારની રચના સાથે હવે 12 સાંસદો બળવાખોર જૂથમાં સામેલ થાય તેવા સંકેત છે. ભાજપના એક નેતાએ દાવો કર્યો હતો કે શિવસેનાના 19માંથી 12 સાંસદો આગામી સમયમાં બળવાખોર જૂથની બેઠકમાં હાજરરહેશે. આ સુત્રોએ જણાવ્યું કે હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ બોલાવેલી બેઠકમાં શિવસેનાના ત્રણ સાંસદો ગેરહાજર રહ્યા હતા.

કલ્યાણથી લોકસભાના સાંસદ શ્રીકાંત પહેલેથી જ તેમના પિતા એકનાથ શિંદે સાથે છાવણીમાં છે. આ ઉપરાંત યમતલાલના સાંસદ ભાવના ગવલીએ પણ ઉધ્ધવ ઠાકરેને પત્ર લખીને હિન્દુત્વ અને બાલ ઠાકરેની વિચારધારાને ત્યાગવા બદલ પક્ષની નીતિની ટીકા કરી હતી. બીજી તરફ રાજ્ય વિધાનસભાની બેઠકમાં હવે વિપક્ષ દ્વારા પણ અધ્યક્ષના પદ માટે હરિફાઈ કરાશે.

શિવસેનાના સાંસદ રાજન સાલ્વીએ પોતે ઉધ્ધવ ઠાકરે જૂથ તરફથી અધ્યક્ષની ચૂંટણી માટે મેદાનમાં ઉતરશે તેવી જાહેરાત કરી દીધી છે અને કોંગ્રેસ તથા એનસીપી તેને ટેકો આપશે જેના કારણે હવે વિધાનસભામાં પણ અધ્યક્ષપદ માટે ચૂંટણી થાય તેવા સંકેત છે.

બીજી તરફ ગઇકાલે સાંજે શિવસેનાના બળવાખોર જૂથની બેઠકમાં પક્ષની એકતા તોડવા કરતાં હજુ એક વખત પક્ષના વડા ઉધ્ધવ ઠાકરે સાથે સમાધાન કરી લેવાની સલાહ બળવાખોર જૂથને આપવામાં આવી છે. જો કે ગઇકાલે જે રીતે પૂર્વ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને શિવસેનાના મુખ્યમંત્રી તરીકે સ્વીકારવાનો ઇન્કાર કરતાં હવે સમાધાનની શક્યતા નહીવત રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement