ગાંધીનગર,તા.2
દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના વિપક્ષ કોંગ્રેસ ઉમેદવાર યશવંત સિન્હા ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ખાસ મળવા માટે આવતા સપ્તાહે ગુજરાત આવી રહ્યા છે. જયાં તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી અને મતદાન અંગે ચર્ચા ઉપરાંત જરૂરી માર્ગદર્શન આપશે.
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.ત્યારે દેશના નવા રાષ્ટ્રપતિ પદે ભારતીય જનતા પાર્ટી તરફથી દ્રૌપદી મુરમુંને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ તરફથી યશવંત સિંહાએ રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી નોંધાવી છે. જેના પગલે આગામી સપ્તાહે (સંભવત: 7 ને ગુરુવારે) યશવંત સિંહા ગુજરાતની મુલાકાતે આવશે.
જ્યાં તેઓ કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે મહત્વની બેઠક કરશે અને રાષ્ટ્રપતિની ચૂંટણી તેમજ તેના મતદાન અંગે માર્ગદર્શન આપશે. ઉલ્લેખનીય છે કે, યશવંતસિંહાની ગુજરાત મુલાકાત અંતર્ગત વિપક્ષ કોંગ્રેસના નેતા તેમજ પ્રદેશ પ્રમુખએ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ફરજિયાત હાજર રહેવાની પણ સ્પષ્ટ સૂચના આપી છે.