સૌરાષ્ટ્ર-ગુજરાતમાં 1 થી 8.5 ઇંચ સુધી મેઘકૃપા

02 July 2022 05:43 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-ગુજરાતમાં 1 થી 8.5 ઇંચ સુધી મેઘકૃપા

ગોંડલ પંથકમાં ધોધમાર-8 ઇંચ : ઉમવાળા અન્ડરબ્રિજે પાણી ભરાયા-બે વાહનો ફસાયા : રાતાનાલામાં પણ સ્કૂલ બસ ફસાયામાં માંડ બહાર કઢાઈ : રાજકોટ જિલ્લામાં 1 થી 5 અને જૂનાગઢ, જામનગર, ગિર સોમનાથ, ભાવનગર, બોટાદ, અમરેલીમાં 1 થી 2.5 અને ગુજરાતનાં 176 તાલુકામાં 0.5 થી 8.5 ઇંચ વરસાદ ખાબક્યો

રાજકોટ,તા. 2
ગઇકાલે અષાઢી બીજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતનાં મોટાભાગનાં જિલ્લાઓમાં મેઘકૃપા વરસી હતી અને ઠેર-ઠેર 1 થી 8.5 ઇંચ જેટલો વરસાદ પડી જવા પામ્યો હતો.

રાજકોટ જિલ્લામાં ગઇકાલે સૌથી વધુ ગોંડલનાં ગ્રામ્ય પંથકમાં 8 ઇંચ અને ગોંડલ શહેરમાં 3 ઇંચ વરસાદ પડી ગયો હતો જેના પગલે નદી-નાળા બે કાંઠે વહેવા લાગ્યા હતા. તથા ગોંડલનાં ઉમવાડા અન્ડરબ્રિજમાં પાણી ભરાતા બોલેરો અને રિક્ષા ફસાઈ ગઇ હતી. તેમજ ગોંડલનાં રાતાનાલામાં છાતી સમા પાણી ભરાતા તેમાં મારવાડી સ્કૂલની બસ ફસાતા વિદ્યાર્થીઓનાં જીવ પડીકે બંધાયા હતા અને પાલિકા તથા સેનિટેશન સ્ટાફે મહામહેનતે બસને પાણીમાંથી બહાર કાઢી હતી.

દરમ્યાન ગઇકાલે ખંભાળીયા તાલુકામાં પણ કરુણાંતિકા સર્જાઈ હતી અને ઘી ડેમમાં ન્હાવા પડેલા ચાર મિત્રો પૈકી કૃણાલ નામના એક તરુણનું ડુબી જતા મોત નિપજ્યું હતું. જ્યારે, ગઇકાલે સૌરાષ્ટ્રમાં પણ જગન્નાથજીની કૃપા વરસી હતી અને સર્વત્ર 1 થી 5 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજકોટ શહેરમાં 2 ઉપરાંત જિલ્લામાં લોધિકામાં 5, ગોંડલમાં 3, અને જેતપુરમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત ગઇકાલે જૂનાગઢ, જામનગર, ગિર સોમનાથ, ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેનદ્રનગર જિલ્લામાં પણ 1 થી 2.5 ઇંચ સુધી પાણી વરસી ગયું હતું.
દરમ્યાન સૌરાષ્ટ્રની સાથોસાથ ગુજરાતમાં પણ ગઇકાલે મેઘસવારી ઉતરી હતી અને છેલ્લા 24 કલાક દરમ્યાન 176 તાલુકામાં ઝાપટાથી માંડી 8.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

સાડા આઠ ઇંચ વરસાદ સુરતનાં પલસાણામાં નોંધાયો હતો. તથા સુરતશહેરમાં પણ 3ાા ઇંચ, ઓલપાડમાં 5, બારડોલી-ચોર્યાસીમાં 5, મહુવા-માંડવી-માંગરોળમાં 3-3 ઇંચ, નવસારી જિલ્લામાં 2 થી 6 ઇંચ તથા ઉતર ગુજરાતમાં દિયોદરમાં 7.5 ઇંચ, ડિસા અને અમીરગઢમાં 5-5 ઇંચ વરસાદ ગઇકાલે નોંધાયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement