મુંબઈમાં સવારથી તોફાની વરસાદ : વસઇમાં ભૂસ્ખલન

13 July 2022 11:18 AM
India Maharashtra
  • મુંબઈમાં સવારથી તોફાની વરસાદ : વસઇમાં ભૂસ્ખલન

અંધેરી, સાયન, વિલેપાર્લે સહિતના વિસ્તારો જળબંબાકાર : ઠેકઠેકાણે ટ્રાફિક જામ : 50 કિમી ઝડપે પવન સાથે મેઘરાજાની સટાસટી : લોકલ ટ્રેનો મોડી

મુંબઈ તા.13
મુંબઈ-મહારાષ્ટ્રમાં ફરી વખત મુશળધાર મેઘસવારી થઈ છે. અનેક ભાગે જળબંબાકાર થવા સાથે લોકલ વાહનવ્યવહાર ઉપરાંત રેલ તથા વિમાની સેવા પણ પ્રભાવિત થઈ હતી. મુંબઈમાં બે દિવસ જોર ધીમુ પડયા બાદ આજે સવારથી ફરી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ પકડયુ હતું અને તોફાની વરસાદ શરૂ થયો હતો.

40થી50 કિલોમીટરની ઝડપે પવનના સુસવાટા સાથેના ભારે પવનના સુસવાટા સાથેના ભારે વરસાદથી સવારમાં જ મુંબઈગરાઓ હાલાકીમાં મુકાઈ ગયા હતા. સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ તથા કામધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. મુંબઈ કોર્પોરેશનના સૂત્રોએ કહ્યું કે ધોધમાર વરસાદને કારણે મહાનગરના સંખ્યાબંધ પરા વિસ્તારો પાણી-પાણી થવા લાગ્યા હતા. અંધેરી સબવે બંધ કરી દેવામાં આવ્યો હતો. હિન્દમાતામાં જળબંબાકાર થયો હતો. વિલેપાર્લેમાં ટ્રાફીક જામ સર્જાયો હતો. સાયન ગાંધી માર્કેટમાં પાણી દુકાનોમાં ઘુસી ગયા હતા. દાદર, ઘાટકોપર, વિલેપાર્લે સહિતના વિસ્તારોમાં પાણીની રેલમછેલ થઇ ગઇ હતી.

રેલ્વે પાટાઓ પર વરસાદી પાણી ફરી વળતા લોકલ ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને ટ્રેનો મોડી દોડતી હતી. મુંબઇના પાલઘરનાં વસઇમાં ભૂસ્ખલનનો બનાવ બન્યો હતો. મકાનો ક્ષતિગ્રસ્ત બનવા સાથે કેટલાક લોકો ફસાયા હતા. તાત્કાલીક રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને બે લોકોને બચાવવામાં આવ્યા હતાં.

મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રનાં નાસિક સહિતના શહેરોમાં અનરાધાર વરસાદથી આફતની હાલત સર્જાઇ છે. નાસિકમાં જળબંબાકારની હાલત સર્જાઇ હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 83 લોકોના મોત નિપજ્યા હતાં. મુંબઈ સહિત રાજ્યમાં હજુ ભારે વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. અને તેને પગલે એલર્ટનું એલાન આપવામાં આવ્યું છે. મહાનગરમાં બે દિવસના એલર્ટની ઘોષણા કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement