વડોદરામાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદથી પાણી ભરાયા : ગુજરાતનાં 137 તાલુકામાં મેઘસવારી

19 July 2022 11:57 AM
Vadodara Gujarat
  • વડોદરામાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદથી પાણી ભરાયા : ગુજરાતનાં 137 તાલુકામાં મેઘસવારી

બોડેલી તથા વાઘોડીયામાં ચાર-ચાર ઇંચ પાણી વરસ્યું : ગુજરાતમાં સિઝનનો 58.32 ટકા વરસાદ

રાજકોટ,તા. 19
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મેઘસવારી ધીમી પડી ગઇ છે અને અમુક ભાગોમાં જ મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે મોટાભાગના વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટાથી માંડીને હળવો વરસાદ હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 137 તાલુકામાં હળવો-ભારે વરસાદ પડ્યો હતો. સૌથી વધુ ચાર ઇંચ વરસાદ છોટાઉદેપુરના બોડેલીમાં નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં સરેરાશ 9.15 મીમી પાણી વરસ્યું હતું. અત્યાર સુધીનો કુલ વરસાદ 495.79 મીમી થયો છે જે સિઝનના 58.32 ટકા થવા જાય છે. 14 તાલુકામાં 2 થી 5 ઇંચ, 70 તાલુકામાં 5 થી 10 ઇંચ, 82 તાલુકામાં 10 થી 20 ઇંચ, 58 તાલુકામાં 20 થી 40 ઇંચ તથા 27 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં બોડેલીમાં 4 ઇંચ ઉપરાંત વડોદરાના વાઘોડીયામાં પણ ચાર ઇંચ પાણી વરસ્યું હતું. તાપી જિલ્લાનાં કુકરામુંડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ થયો હતો. વડોદરામાં પણ એકાએક હવામાન પલ્ટો થવા સાથે ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ થતા શહેરના અનેક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવા હતા અને જનજીવનને અસર થઇ હતી. છોટાઉદેપુરનાં સંખેડામાં પણ સાડા ત્રણ ઇંચ પાણી વરસ્યું હતું.

નર્મદા જિલ્લાના તિલકવાડામાં 3 ઇંચ, વડોદરાના પાદરામાં 3 ઇંચ તથા વલસાડના કપરાડામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. ડેડીયાપાડા તથા આણંદમાં પણ અઢી ઇંચ વરસાદ હતો. નર્મદા જિલ્લાના નાંદોડમાં બે ઇંચ તથા વડોદરાનાં સિનોરમાં બે ઇંચ વરસાદ થયો હતો. કરજણ, આંકલાવ,નિજર, ફતેપુરા, ડભોઇ, નેત્રંગ તથા ગરુડેશ્વરમાં દોઢથી પોણા બે ઇંચ વરસાદ થયો હતો.

રાજ્યનાં 32 તાલુકામાં એક ઇંચથી કે તેનાથી વધુ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં ચોટીલામાં અઢી ઇંચ વરસાદને બાદ કરતાં અન્ય મોટાભાગના વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટાથી માંડીને હળવો વરસાદ થયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement