ગુજરાતમાં ‘આપ’ 300 યુનિટ વીજળી મફત આપશે: કેજરીવાલનું વચન

21 July 2022 05:37 PM
Surat Gujarat
  • ગુજરાતમાં ‘આપ’ 300 યુનિટ વીજળી મફત આપશે: કેજરીવાલનું વચન

* વિધાનસભા ચૂંટણી વર્ષમાં ‘આપ’ નેતા અરવિંદ કેજરીવાલે સુરતમાં કરી જાહેરાત

* પંજાબ, દિલ્હીની જેમ સત્તા મળે તો ગુજરાતમાં પણ મફત વીજળી આપવાનું એલાન: ઉપરવાળાએ મને જ આ જાદુ આપ્યું છે

* વડાપ્રધાન મોદીનું નામ લીધા વિના પ્રહાર-‘રેવડી’ તો ભગવાનનો પ્રસાદ કહેવાય અંગત મિત્રોને અપાય તો પાપ કહેવાય

* ગુજરાતમાં દારૂબંધીમાં કાયદામાં કોઈ ફેરફાર નહીં કરાય: અમલ યથાવત રહેશે

સુરત, તા.21
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં સુરતમાં ચૂંટણીનું બિગ બ્યુગલ ફુંકીને રાજકીય વિરોધીઓની ઉંઘ હરામ કરી દીધી છે. કેજરીવાલ ગુજરાતમાં 300 યુનીટ વીજળી મફત આપવાની જાહેરાત કરતા કહ્યું હતું કે દિલ્હી અને પંજાબમાં જો ફ્રી વીજળી મળી શકતી હોય તો ગુજરાતમાં કેમ નહી, કેજરીવાલે મોદીનું નામ લીધા વિના મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું. અમારી ફ્રીની યોજનાને રેવડી કહેવામાં આવી રહી છે તે તો ભગવાનનો પ્રસાદ છે અને પ્રસાદની રેવડી મફત હોય પરંતુ જે લોકો અંગત મિત્રોને જ ‘રેવડી’ આપે છે તે રેવડી પાપ છે.

સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં 24 કલાક વીજળી મળે છે એ વિશ્ર્વની પ્રથમ ઘટના છે. મફત આપવું એ મારો જાદુ છે અને આ વિદ્યા ઉપરવાળાએ માત્ર મને આપી છે. કેજરીવાલે પોતાની મફતની યોજના અંગે ફોડ પાડતા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 301 યુનિટ થશે તો લોકોએ આખુ બિલ ભરવું પડશે.

આમ કરવાથી લોકો ઓછી વીજળી વાપરશે અને વીજળીની બચત થશે. કેજરીવાલે વીજળી મુદ્દે ત્રણ ગેરંટી આપી છે. 300 યુનિટ સુધી મફત વીજળી 24 કલાક વીજળી અને 31 ડીસેમ્બર સુધીના પેન્ડીંગ બીલ માફ કરાશે. ખેડૂતો માટે જે વીજ મુદ્દો છે તેના માટે અમે ફરી આવીશું. કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અમારી સરકાર બને તો ત્રણ મહિનામાં આ વચનનો અમલ થશે.

કેજરીવાલે જણાવ્યું હતું કે, અમારી પ્રમાણિક સરકાર છે અને અમે માત્ર સાચી વાત કરવા આવ્યા છીએ, રાજકારણ કરવા નથી આવ્યા. જયારે કોઈને વીજળીનું ખૂબ મોટુ બીલ આવે છે તો એ ખોટું બીલ મોકલાતું હોય છે, એ વીજબિલને ઓછું કરવા સરકારી અધિકારીઓ લાંચ માગતા હોય છે.

દિલ્હી, પંજાબમાં દારૂબંધી નથી ત્યારે ગુજરાતની દારૂબંધી અંગે સવાલ થતા કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં જે દારૂબંધી છે તે યથાવત રખાશે. અને તેનું યોગ્ય પાલન કરાવવામાં આવશે. કેજરીવાલે કટાક્ષ કર્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ગેરકાયદે દારૂ વેચાઈ રહ્યો છે, એના પૈસા કોની પાસે જાય છે.

ખેડૂતોની વીજળીને લઈને અલગથી વિચાર
ખેડૂતોની વીજળી મામલે કેજરીવાલે જણાવ્યું હતું કે ખેડૂતો માટે વીજળીને લઈને અમે અલગથી વિચારી રહ્યા છીએ આ ખૂબ મોટો મુદ્દો છે તેના માટે આગામી દિવસોમાં હું ફરી ગુજરાત આવીશ.

ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કરતા કેજરીવાલે જણાવ્યું હતું કે ભાજપની સરકાર ગુજરાતની પ્રજાને પેકેડ ફોર ગ્રાન્ટેડ લે છે, એમને લાગે છે કે આ લોકો આપણા સિવાય બીજે કયાંય જવાના નથી આ એમની માનસિકતા છે પરંતુ આ વખતે તમે હિમતપૂર્વક આમ આદમી પાર્ટીની સરકાર લઈ આવેલ.


Related News

Loading...
Advertisement
Advertisement